નવી દિલ્હી : તબલીગી જમાતને કારણે દેશમાં કોરોનાના ઘણા બધા કેસો નોંધાયા હતા. ઉપરથી તેની ઉદ્ધતાઈના સમાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે દિલ્હીની લોકનારાયણ જયપ્રકાશ (એલએનજેપી) હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે અહીં એક 25 વર્ષિય દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો. તેણે વોર્ડ 5 એ માં હાજર મહિલા ડોક્ટર પર અભદ્ર ટિપ્પણી કરી હતી. પુરુષ સ્ટાફે બચાવ કર્યો ત્યારે ઉપસ્થિત ભીડ ગુસ્સે થઇ ગઈ હતી. ડોકટરોને તેમની ડ્યુટી ઓફિસમાં છુપાવાની ફરજ પડી હતી. દર્દીઓ ત્યાં એકઠા થયા અને દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો.
ડોક્ટરોએ ફરિયાદ કરી
પીડિત તબીબોએ એલએનજેપીના મેડિકલ ડિરેક્ટરને ફરિયાદ કરી છે. તદનુસાર, દર્દીએ સ્ત્રી નિવાસી ડોક્ટરને અપશબ્દ કહેવા અને અશ્લીલ ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું હતું. સાથી ડોકટરોએ વિરોધ કર્યો ત્યારે ઘણા વોર્ડ દર્દીઓ એકઠા થયા અને ડોક્ટર – સ્ટાફને ધમકાવવા લાગ્યા હતા. જ્યારે તમામ કર્મચારીઓ ભાગીને ડ્યુટી રૂમમાં છુપાઈ ગયા હતા, ત્યારે ટોળાએ ત્યાં પહોંચી દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. ડોકટરોએ ફરિયાદમાં કહ્યું છે કે ન તો સીએમઓ કે સુરક્ષા માણસોએ તેમને મદદ કરી.
મેડિકલ સ્ટાફે આ માંગણીઓ મૂકી
- આરોપી દર્દી સામે હોસ્પિટલ એફઆઈઆર નોંધે
- બધા COVID વોર્ડમાં સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ ફરજ પર હોય
- નિષ્કાળજી દાખવનાર સિક્યોરિટી ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવે
- સર્જિકલ વોર્ડમાં ફરજ પર હાજર સિક્યોરિટી સામે એક્શન
- ફ્લોર ઇન્ચાર્જ પાસેથી જવાબ માંગવો જોઇએ અને તેમની વિરુદ્ધ શિસ્તબદ્ધ કાર્યવાહી થવી જોઈએ
શું કહ્યું દિલ્હીના આરોગ્ય પ્રધાને
દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે, તે હુમલો કરવાનો કેસ નથી, પરંતુ અપશબ્દોનો છે. આ કેસમાં એફઆઈઆર નોંધાઈ રહી છે. સારવાર બાદ દર્દીને પોલીસ હવાલે કરવામાં આવશે. અમે હોસ્પિટલની સુરક્ષા વધારી છે.