રામોલ વિસ્તારમાં 16 વર્ષીય સગીરાના અપહરણ અને દુષ્કર્મના કિસ્સામાં આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટેના જજ પી.સી. ચૌહાણે દસ વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે અવલોકન નોંધ્યું છે કે આરોપી પક્ષે એવી રજૂઆત કરાઇ છે કે સગીરાની સંમતિથી બધુ થયું છે પરંતુ કાયદા મુજબ સગીરાને સંમતિને સંમતિ ગણી શકાય નહી. જેથી આરોપીને કડક સજા થાય તે જરૂરી છે. આ કેસની વિગત એવી છે કે રામોલ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને તેમના જ વિસ્તારમાં રહેતો ઇનેશકુમાર શ્યામલાલ ગરાસિયા લઇ ગયો હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં 5-5-2૦17ના રોજ નોંધવામાં આવી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી એક મહિના બાદ આરોપીને ઝડપી પાડયો હતો અને સગીરાને પરિવારને પરત સોંપી હતી. સગીરા પર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવતા આ અંગે પોક્સો કાયદાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોક્સો કોર્ટ સમક્ષ કેસ ચલાવવામાં આવ્યો હતો.
પોલીસ તરફથી સરકારી વકીલ વિજયસિંહ ચાવડાની રજૂઆત હતી કે આરોપી એક મહિના સુધી સગીરા સાથે હતો અને એક મહિના સુધી તેના પર દુષ્કર્મ ગુજાર્યુ છે. મેડિકલ પુરાવાઓ પણ આ બાબતને સમર્થન આપે છે. સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે. કોર્ટે આરોપીને દસ વર્ષની કેદની સજા ફટકારી છે અને નોંધ્યું છે કે સગીરાની સંંમતિ હોવાની રજૂઆત આરોપી તરફે કરવામાં આવી છે, પરંતુ કાયદા પ્રમાણે સગીરાની સંમતિને સંમતિ ગણી શકાય નહીં. આ ઉપરાંત કેસના મેડિકલ પુરાવાઓ અને તપાસ અધિકારીઓની જુબાની પરથી આરોપીનો ગુનો પુરવાર થાય છે, તેથી તેના પ્રત્યે દયા દાખવી શકાય તેમ નથી.