જમ્મૂ-કાશ્મીર પોલીસે શુક્રવાર-શનિવાર વચ્ચેની રાત્રી દરમિયાન કાશ્મીરમાં અલગાવવાદી ગ્રુપ જમાતે ઈસ્લામી પર કાર્યવાહી કરી તેના પ્રમુખ અબ્દુલ હમીદ ફયાઝ સહિત ઓછામાં ઓછા 24 વ્યક્તિની ધરપકડ કરી છે. અધિકારીઓએ ધરપકડને રૂટીન કાર્યવાહી દર્શાવી છે. આ ગ્રુપ અલગાવવાદી સંગઠન તહેરીકે હુર્રિયત સાથે સંકળાયેલું છે.
જમાતે ઈસ્લામીએ સ્ટેટમેન્ટ જારી કરી કહ્યું કે જમાતના નેતાઓની ધરપકડ એક ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવી છે. પોલીસે કાશ્મીર ખીણમાં વ્યાપક રીત ધરપકડનો દોર શરૂ કર્યો હતો અને સંખ્યાબંઘ ઘરો પર દરોડા પાડ્યા હતા. પોલીસે જમાતના કેન્દ્રીય અને જિલ્લા લેવલના અનેક નેતાઓની ધરપકડ કરી છે, જેમાં તેના પ્રમુખ અબ્દુલ હમીદ ફયાઝ અને પ્રવક્તા ઝાહીદ અલી પણ સામેલ છે.
જમાતના નેતાઓને દક્ષિણ કાશ્મીર, અનંતનાગ, પહેલગામ, દિઆલગામ, ત્રાલ સહિતના સ્થળો પરથી પકડી લેવામાં આવ્યા છે. જમાતે સુપ્રીમ કોર્ટમાં આર્ટીકલ-35(A)ની સુનાવણી દરમિયાન ધરપકડને સંશયયુક્ત કહ્યું છે.
કાશ્મીર પોલીસે આ ઉપરાંત અલગાવવાદી નેતા જેકેએલએફના પ્રમુખ યાસીન મલિકને પણ કસ્ટડીમાં લઈ લીધો હતો. સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં પોલીસ અને અર્ધ સૈનિક દળોની ટૂકડી તૈનાત કરી દેવામાં આવી છે. ગયા ગુરુવારે પુલવામામાં આતંકી હુમલા બાદ કાશ્મીરમાં વ્યાપક રીતે પોલીસ અને મિલેટ્રી ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.