ફ્રાન્સ દ્વારા આજે ભારતને પહેલું રફાલ યુદ્ધ વિમાન સોંપવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે વાયુસેના દિવસની સાથે સાથે આજે દશેરાનો મોટો તહેવાર પણ છે. ત્યારે દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ફ્રાન્સ પહોંચ્યા છે. રફાલની સોંપણી સમયે ફ્રાન્સના મેરિગ્નેક એરબેઝ પર રાજનાથ સિંહ પોતે હાજર રહેશે.
રફાલમાં ભરશે ઉડાન
અહીંયા તેઓ શસ્ત્ર પૂજનની સાથે સાથે રફાલ ટ્રેનર વિમાનમાં પણ ઉડાન ભરશે. તેઓ કોકપીટમાં રિયર પાયલટના સ્થાને બેસશે. પૌરાણીક સમયથી દેશમાં દશેરાના તહેવાર પર શસ્ત્ર પૂજનનો રિવાજ છે. રાજનાથ સિંહ પણ રફાલ ફાઇટર જેટની સાથે તે પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. આ પહેલા તેઓ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે.
ફ્રાન્સના રક્ષા પ્રધાન સાથે કરશે વાતચીત
રફાલ વિમાનની સોંપણી થયા બાદ રાજનાથ સિંહે ફ્રાન્સના રક્ષા પ્રધાન સાથે વાર્ષિક ડિફેન્સ ડાયલોગ કરશે. જેમાં બંને દેશના રક્ષા પ્રધાન ઉપરાંત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ઉપસ્થિત રહેશે. બુધવારે રાજનાથ સિંહે ફ્રાન્સના ઉદ્યોગપતિઓની સાથે સંમેલન કરશે. અને તેમને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રક્ષા ક્ષેત્રમાં ભાગ લેવા માટે આમંત્રિત કરશે.