દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જો કે હજુ સુધી ચૂંટણી પંચ તરફથી વોટિંગ પર્સેન્ટ જાહેર નથી કરવામાં આવ્યા. જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે હવે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ સંબોધીને સ્પષ્ટતા કરતા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન ટકાવારીના આંકડા જાહેર કરી દીધા છે.
ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કુલ 62.59 ટકા મતદાન થયું છે. દિલ્હીમાં મોડી રાત સુધી વૉટિંગ ચાલુ હતું અને મોડી રાત સુધી ડેટા એકઠા કરવામાં આવી રહ્યા હોવાથી મતદાન ટકાવારી જાહેર કરવામાં વિલંબ થયો છે.
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણવીર સિંહે જણાવ્યું કે, દિલ્હીની બલ્લીમારાન વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ વોટિંગ 71.6 ટકા થયું હતું. જ્યારે સૌથી ઓછુ મતદાન છાવણી વિસ્તારમાં 45.4 ટકા નોંધવામાં આવ્યું છે. દિલ્હીમાં કુલ 62.59 ટકા મતદાન થયું છે. જે લોકસભા ચૂંટણી કરતા પણ 2 ટકા વધારે છે.
આ ઉપરાંત આપ નેતા દ્વારા EVM ગરબડીના આરોપનો જવાબ આપતા સિંહે જણાવ્યું કે, વીડોયોમાં જે EVM બસમાં લઈ જવામાં આવી રહ્યાં છે, તે રિઝર્વ EVM છે. આથી પાર્ટીના આરોપ પાયા વિહોણા છે.
જણાવી દઈએ કે, મતદાન ટકાવારી જાહેર કરવામાં થયેલા વિલંબને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આ ચોંકાવનારૂં છે. ચૂંટણી પંચ શું કરી રહ્યું છે? મતદાનાના આટલા કલાકો વીત્યા છતાં પણ ચૂંટણી પંચ મતદાનના ચોક્કસ આંકડા જાહેર કેમ નથી કરી રહ્યું?