નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના નાકે દમ લાવનાર ગેંગસ્ટર કુલદીપ ઉર્ફે ફજ્જા આ મહિનાની 25મી તારીખે દિલ્હીની જીટીબી હોસ્પિટલમાંથી ફિલ્મી સ્ટાઈલમાં ફરાર થયો હતો. જોકે, દિલ્હી પોલીસની સ્પેશલ સેલની ટીમે કુલદીપ ઉર્ફે ફજ્જાને રોહિણી સેક્ટર-14ના એક એપાર્ટમેન્ટમાં ઘેરીને ઠાર મારવામાં આવ્યો છે. સ્પેશલ સેલ નવી દિલ્હી રેન્જની ટીમને આ સફળતા મળી છે.
ગત રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ પોલીસને કુલદીપ ઉર્ફે ફજ્જાના રોહિણી પાસેના એક ઘરમાં છુપાયા હોવાની જાણકારી મળી હતી. જાણકારી મુજબ, ગેંગસ્ટર કુલદીપ ઉર્ફે ફજ્જા રોહિણી સેક્ટર-14માં તુલસી એપાર્ટમેન્ટમાં કોઈ સાથીના ઘરમાં છુપાઈને રહેતો હતો. ત્યારબાદ સ્પેશલ સેલના એસીપી લલિત મોહન નેગી, એસીપી હૃદયભૂષણ, ઇન્સ્પેક્ટર રવિન્દ્ર જોશી, ઇન્સ્પેક્ટર સુનીલ અને ઇન્સ્પેક્ટર વિનય પાલની ટીમે તેમને ઘેરવા માટે સમગ્ર વિસ્તારમાં ટ્રેપ લગાવ્યા.
ગેંગસ્ટર ફજ્જાને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું પરંતુ તેણે પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું અને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો. ત્યારબાદ સ્પેશલ સેલની ટીમે જવાબી કાર્યવાહી કરતાં ફાયરિંગ કરી જેમાંથી અનેક ગોળીઓ ગેંગસ્ટર કુલદીપ ઉર્ફે ફજ્જાને વાગી અને તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો. જ્યારે તેના બે સાથે યોગેન્દ્ર અને ભૂપેન્દ્ર પકડાઈ ગયા છે. પોલીસ પાર્ટી તરફથી જવાબી કાર્યવાહીમાં લગભગ એક ડઝન ગોળીઓ છોડવામાં આવી.
ગેંગસ્ટર કુલદીપ ઉર્ફે ફજ્જા દિલ્હી પોલીસની સ્પેશલ સેલ માટે એક ચેલેન્જ હતો, કારણ કે ગયા વર્ષે જ તેની ધરપકડ સ્પેશલ સેલે કરી હતી. ત્યારબાદ ગુરુવાર 25 માર્ચે મંડોલી જેલમાં કેદ કુલદીપને જ્યારે મેડિકલ ચેકઅપ માટે જીટીબી હૉસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેના સાથી ફિલ્મી સ્ટાઇલમાં ત્રીજી બટાલિયનની પોલીસ કસ્ટડીમાંથી છુડાવીને લઈ ગયા હતા.
જોકે આ દરમિયાન એન્કાઉન્ટરમાં એક બદમાશ હૉસ્પિટલ પરિસરમાં જ માર્યો ગયો હતો અને બે બદમાશ પકડાઈ ગયા હતા. કુલદીપને તેના સાથી પોલીસ કસ્ટડીમાંથી છોડાવીને લઈ ગયા હતા અને ત્યારથી તેની પાછળ સ્પેશલ સેલની ટીમો લાગેલી હતી.