નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કેજરીવાલનો આજે (9 જૂન) સવારે કોરોના ટેસ્ટ થયો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક અધિકારીએ કહ્યું કે કોરોના ટેસ્ટ ગળામાં દુખાવો અને તાવની ફરિયાદ પછી કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી કેજરીવાલે 8 જૂને હળવો તાવ અને ગળાના દુ:ખાવા પછી પોતાને અલગ કરી દીધા હતા. કેજરીવાલ રવિવાર બપોર પછીથી કોઈ પણ બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. એવું માનવામાં આવે છે કે કોરોના રિપોર્ટ આવ્યા બાદ પણ કેજરીવાલ 7 દિવસ સુધી સેલ્ફ -આઇસોલેશનમાં રહેશે.
મુખ્યમંત્રી કેજરીવાલ મંગળવારે કોરોનાને કારણે ડીડીએમની બેઠકમાં પણ ભાગ લઈ શક્યા ન હતા. તેમની જગ્યાએ, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ડીડીએમએની બેઠકમાં હાજર રહ્યા હતા. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્રના અધિકારીઓએ માહિતી આપી છે કે દિલ્હીમાં કોઈ સમુદાય સંક્રમણ થયો નથી. તે જ સમયે, એવો અંદાજ છે કે 31 જુલાઈ સુધીમાં ચેપના કેસ 5.5 લાખ સુધી પહોંચી શકે છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) સાથેની બેઠક બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, જુલાઈના અંત સુધીમાં દિલ્હીમાં 80,000 બેડની જરૂર પડશે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ પણ છે.