નવી દિલ્હી : દિલ્હીમાં એન્કાઉન્ટર બાદ પકડાયેલા શંકાસ્પદ આતંકવાદી અબુ યુસુફે પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે પોલીસને કહ્યું હતું કે, તે દિલ્હી અને યુપીમાં વિસ્ફોટો કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો. તે અફઘાનિસ્તાનમાં તેના માસ્ટર્સ સાથે સંપર્કમાં હતો. તેને ત્યાંથી દિશા નિર્દેશો આપવામાં આવી રહ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, શંકાસ્પદ વ્યક્તિએ પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે તે રામ મંદિરના બાંધકામને લઈને બોમ્બ ધમાકો કરવા માંગતો હતો. તે અફઘાનિસ્તાનમાં તેના કેટલાક માસ્ટર્સ સાથે સંપર્કમાં હતો. એનએસજીની ટીમ તેના કબજામાંથી મળી આવેલા પ્રેશર કૂકરમાં રહેલા વિસ્ફોટકો અને તેમાં કયા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની તપાસ કરી રહી છે.
ખરેખર, ગુપ્તચર એજન્સીઓએ ભૂતકાળમાં બે મહત્વપૂર્ણ ચેતવણીઓ જારી કરી હતી. જેમાંથી એક ચેતવણીમાં કહેવામાં આવ્યું હતું કે રામ મંદિર નિર્માણને લઈને આતંકવાદીઓ મોટી આતંકવાદી ઘટના કરી શકે છે. તેનું લક્ષ્ય વીઆઇપી અને રાજધાની દિલ્હી છે.
આપને જણાવી દઈએ કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધૌલાકુઆ અને કેરોલ બાગ વચ્ચેના રિજ રોડ પર 21 ઓગસ્ટ રાત્રે એન્કાઉન્ટર બાદ આર્મી પબ્લિક સ્કૂલ નજીકથી એક શંકાસ્પદ આતંકવાદીને પકડ્યો હતો. તેની પાસેથી બે પ્રેશર કૂકરમાંથી 15 કિલો આઈ.ઈ.ડી. રિકવર થયાના સમાચાર મળતા હંગામો થયો હતો. સ્પેશિયલ સેલ અને બોમ્બ નિકાલની ટુકડી આઈઈડી સાથે બુધા જયંતિ પાર્કમાં પહોંચી હતી અને તેને ડિફ્યુઝ કર્યો હતો.