ભારતીય મૂળના એક મોટા હોટેલ બિઝનેસ ટાયકૂન દિનેશ ચાવલાની અમેરિકાના ટેનેસી એરપોર્ટ પર સામાન ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના મિસિસિપીમાં ચાવલાના 17 હોટલ્સ છે.
રેકોર્ડ મુજબ ચાવલાને 18 ઓગસ્ટના રોજ એક સૂટકેસ તેમની ગાડીમાં મૂકતા જોવામાં આવ્યા હતાસ જે પછી તેઓ ફ્લાઇટ પકડવા માટે એરપોર્ટમાં પ્રવેશ્યા હતા. પોલીસે પાછળથી ચાવલાની ગાડીમાંથી ચોરી કરાયેલો સામાન જપ્ત કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ચાવલાએ તેમનો ચોરીનો ગુનો સ્વીકારી લીધો હતો, તેમણે પહેલા પણ ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું. ચાવલા હાલમાં પાંચ હજાર ડોલરના જામીન પર બહાર છે.
ઉલ્લેખનીય છે કે, ચાવલાએ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પરિવાર સાથે ભાગીદારી કરી નવા હોટલ્સ ખોલવાના પ્રયત્ન કર્યા હતા અને ટ્રમ્પ સાથે તેમની ભાગીદારી આ વર્ષની શરુઆતમાં જ ખતમ થઇ હતી.