હાલ પિતૃઓ માટે વિશેષ પૂજા-પાઠ કરવાનો પર્વ પિતૃપક્ષ ચાલી રહ્યો છે. આ દિવસોમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન વગેરે શુભ કાર્યો કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે પિતૃપક્ષમાં કરેલાં શુભ કાર્યોથી પિતૃઓને તૃપ્તિ મળે છે. જો કોઇ વ્યક્તિના મૃત્યુની તિથિ જાણતાં ના હોવ તો તેમનું શ્રાદ્ધ પિતૃપક્ષની અમાસ તિથિ પર કરી શકાય છે. આ વખતે અમાસ શનિવાર, 28 સપ્ટેમ્બરે છે. જાણો પિતૃપક્ષમાં કરવામાં આવતાં શુભ કાર્યો સાથે જોડાયેલી થોડી ખાસ વાતો….
પિતૃપક્ષમાં પરિવારના પિતૃઓ પૃથ્વી પર આવે છે તેવી માન્યતા છે. પરિવારના મૃત સભ્યોની મૃત્યુ તિથિ પર પિતૃપક્ષમાં તર્પણ વગેરે પુણ્ય કાર્યો કરવામાં આવે છે. પિંડદાન, અનાજ અને જળ ગ્રહણ કરવાની ઇચ્છાથી પિતૃ દેવતા તેમના પરિવાર પાસે આવે છે. તેમની તૃપ્તિ માટે જ આ શુભ કાર્યો કરવામાં આવે છે. આ શુભ કાર્યોથી પિતૃઓને શક્તિ મળે છે અને તેઓ પિતૃ લોક સુધી આરામદાયક સફર કરી શકે છે. આ એક ધાર્મિક માન્યતા છે.
પિતૃપક્ષમાં રોજ તર્પણ કરવું જોઇએ. જેના માટે એક લોટામાં જળ ભરવું, જળમાં ફૂલ અને તલ મિક્સ કરવાં. ત્યાર બાદ આ જળ પિતૃઓને અર્પણ કરવું. જળ અર્પણ કરવા માટે જળ હથેળીમાં લઇને અંગૂઠા બાજૂથી ચઢાવવું જોઇએ.
શ્રાદ્ધપક્ષમાં પિતૃઓને નિમિત્ત બ્રાહ્મણોને ભોજન કરાવવાની પરંપરા ખૂબ જ જૂની છે. પોતાની શક્તિ પ્રમાણે કોઇ એક બ્રાહ્મણને અથવા વધારે બ્રાહ્મણને આ પક્ષમાં ભોજન કરાવવું જોઇએ. તમારી શક્તિ પ્રમાણે અનાજ અને વસ્ત્રનું દાન કરવું જોઇએ. તર્પણ વગેરે કાર્યોમાં ચાંદીના વાસણનો ઉપયોગ કરવો જોઇએ. ચાંદીના વાસણ આ કાર્યો માટે શુભ મનાય છે.
પિંડદાન કરતી વખતે પકવેલાં ચોખા અને કાળા તલ મિક્સ કરીને પિંડ બનાવવામાં આવે છે. આ પિંડને મૃત વ્યક્તિઓના શરીરનું પ્રતીક માનવામાં આવે છે. આ જ પિંડ ઉપર વસ્ત્ર, અનાજ, હાર-ફૂલ, કંકુ વગેરે પૂજન સામગ્રી ચઢાવવામાં આવે છે. પૂજા કર્યા બાદ આ પિંડને નદીમાં પ્રવાહિત કરી દેવામાં આવે છે.