ડીપીએસ ઈસ્ટના સીઈઓ, પૂર્વ ટ્રસ્ટી અને પૂર્વ આચાર્ય એમ ત્રણ સામે પોલીસ ફરિયાદ દાખલ થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે તેમના ઘરે તપાસ કરી પણ ત્રણેય ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ડીપીએસ ઈસ્ટના સીઆઈઓ મંજુલા શ્રોફ, પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુવા સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ખોટા દસ્તાવેજો ઉભા કરી સ્કૂલની મંજૂરી મેળવવાનો ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓની પૂછપરછ માટે તેમના ઘરે પોલીસ ટીમો મોકલવામાં આવી હતી.
જમીન મામલે ખુલાસા માગ્યા
પોલીસે સ્કૂલના સ્ટાફ તેમજ અન્ય સાક્ષીઓના નિવેદનો લીધા હતા. પોલીસે આ મામલે હિરાપુર ગામના તલાટીનું પણ નિવેદન નોંધ્યું હતું. પોલીસે 2009થી 2012 સુધીમાં ડીપીએસ ઈસ્ટની જમીન મામલે અમુક બાબતોના ખુલાસા માંગ્યા છે. જેમાં આ સમયગાળા દરમિયાન જમીનની માલિકી કોની હતી, વચ્ચે કોઈ માલિકી બદલાઈ છે કે કેમ, આ જમીન પર બાંધેલી ઈમારતની મંજૂરી કોના નામે લેવામાં આવી હતી તે સહિતની બાબતોના સમાવેશ થાય છે. ગ્રામ્યના ડીવાયએસપી કે.ટી.કામરીયાએ જણાવ્યું કે, ડીપીએસ ઈસ્ટના સંચાલકો સામે ગુનો દાખલ કર્યા બાદ પોલીસે જમીનની માલિકી ટેક્સ તેમજ અન્ય બાબતોની તપાસ હાથ ધરી છે. જેમાં મહેસુલ વિભાગ, શિક્ષણ વિભાગ અને પોલીસ સંયુકત રીતે કામગીરી કરશે.
ત્રણેય પાસે આગોતરા લેવા સિવાય વિકલ્પ નથી
વગ ધરાવતા અને ફરિયાદમાં પોતાનું નામ ન આવે તે માટે અનેક પ્રયાસો છતાં આરોપી બની ગયેલા મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ પાસે હવે આગોતરા જામીન લઈ પોલીસ સમક્ષ હાજર થવા સિવાય કોઈ માર્ગ બચ્યો નથી.
DPS ઈસ્ટના જવાબ પછી CBSE કાર્યવાહી કરશે
ખોટા દસ્તાવેજોના આધારે મેળવેલી મંજૂરી મુદ્દે સીબીએસઇએ 23 નવેમ્બરે સ્કૂલને શો કોઝ નોટિસ આપી હતી. એકવાર સ્કૂલ તેના ખુલાસા રજૂ કરે પછી તેનો અભ્યાસ કરી સીબીએસઈ વધુ કાર્યવાહી કરશે તેમ સૂત્રોનું કહેવું છે.