દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કામ કરનાર એક ભારતીય વ્યક્તિને એક પેસેન્જર્સના સામાનમાંથી બે કેરી ચોરવા માટે કોર્ટમાં કેસનો સામનો કરવો પડ્યો. 27 વર્ષના એક ભારતીય કર્મચારી પર 2017મા કેરી ચોર્યાનો આરોપ મૂકાયો હતો. વ્યક્તિએ પોતાના ગુનાને કબૂલી લીધો છે. તેને 6 દિરહામની કિંમતની કેરી ચોરી હતી. આરોપીએ કહ્યું કે તેમણે તેને ભારત જનારા માલના જથ્થામાંથી ચોરી હતી.
ખલીજા ટાઇમ્સના રિપોર્ટ અનુસાર વ્યક્તિએ કહ્યું કે તેને ખૂબ જ તરસ લાગી હતી અને પાણીની શોધ કરી રહ્યો હતો. જ્યારે તેમણે ફળોનું બોકસ ખોલ્યું અને બે કેરી જોઇ તો તેને ખાઇ લીધી.
પોલીસે આ કેસમાં વ્યક્તિને એપ્રિલ 2018મા પૂછપરચ્છ માટે બોલાવ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરાઇ અને તેના પર ફળ ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો. તપાસમાં એ વાતની પુષ્ટિ થઇ કે તેણે ઑગસ્ટ 2017મા ફળ ખાધા હતા, પરંતુ હવે 2019મા આ મામલો સામે કેવી રીતે આવ્યો આ અંગે રેકોર્ડ્સમાં કંઇ બતાવ્યું નથી.
દુબઇ પોલીસના વકીલના મતે એરપોર્ટ પર એક સુરક્ષાકર્મી સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ્સ તપાસી રહ્યું હતું, ત્યારે તેને ખબર પડી કે એક કર્મચારી ભારત જનાર વિમાનના પેસેન્જર્સની બેગ્સને ખોલી રહ્યો છે.
જો વ્યક્તિ દોષિત સાબિત થાય છે તો તેને જેલમાં સજા ભોગવવાની સાથો સાથ ચોરાયેલ કેરીની બરાબરની કિંમત અને દંડ ચૂકવવો પડી શકે છે. આ કેસનો ચુકાદો 23મી સપ્ટેમ્બરના રોજ આવવાની આશા છે.