Earthquake ગુજરાત અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા
Earthquake શુક્રવારની મોડી રાત્રે ગુજરાત અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, જેનાથી લોકોમાં થોડી કળાવળી જોવા મળી. સદનસીબે, આ ભૂકંપોમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ગુજરાતમાં રાત્રે 3.4 તીવ્રતાનો અને જમ્મુ-કાશ્મીરમાં 2.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લેહ-લદ્દાખમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા જ્યાં રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9 માપવામાં આવી.
ગુજરાત: હંમેશા ભૌગોલિક જોખમ હેઠળ
ગુજરાત રાજ્ય ભૂકંપની દ્રષ્ટિએ ઉચ્ચ જોખમ ધરાવતો વિસ્તાર માનવામાં આવે છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) મુજબ, છેલ્લા 200 વર્ષમાં ગુજરાતમાં નવ મોટા ભૂકંપ આવ્યા છે. 26 જાન્યુઆરી 2001ના કચ્છના ભૂકંપે રાજ્યને હચમચાવી દીધું હતું, જેમાં લગભગ 13,800 લોકોનાં જાન ગયા અને લગભગ 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા. આ ભૂકંપ ભારતના ઈતિહાસમાં ત્રીજા સૌથી વધુ વિનાશક ભૂકંપ પૈકી એક હતો.
રિક્ટર સ્કેલ શું કહે છે?
ભૂકંપની તીવ્રતાનું માપન રિક્ટર સ્કેલ પર થાય છે. 3.0થી નીચેના ભૂકંપ સામાન્ય રીતે સામાન્ય માણસે અનુભવતા નથી. 3.0થી 3.9 તીવ્રતાના આંચકા સામાન્ય રીતે ભારે વાહન પસાર થતું હોય તેવી લાગણી ઉત્પન્ન કરે છે. જ્યારે તીવ્રતા 6.0થી વધુ હોય ત્યારે ઇમારતોમાં તિરાડો કે ધરાશાયી થવાની શક્યતા રહે છે.
ભૂકંપ આવવાનુ મુખ્ય કારણ શું છે?
ભારત જેવી સક્રિય ટેકટોનિક ઝોનમાં ભૂકંપ સામાન્ય બનાવ છે. ભારતીય ટેકટોનિક પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચે થતી અથડામણ હિમાલય અને આસપાસના વિસ્તારોમાં ઊર્જા એકઠી કરતી રહે છે. જ્યારે આ ઊર્જા એકદમ છોડાય છે ત્યારે ધરતી હલવા લાગે છે — જેને આપણે ભૂકંપ તરીકે અનુભવીએ છીએ.
ચેતવણી અને તૈયારી એ જ બચાવ છે
ભલે તીવ્રતા ઓછી હોય, ભૂકંપ એક કુદરતી ચેતવણી છે. આવી ઘટનાઓ આપણને ભૂકંપ પ્રત્યે વધુ સજાગ અને તૈયાર રહેવાની તાકીદ આપે છે. ખાસ કરીને મોટા જોખમ ધરાવતા વિસ્તારોમાં બિલ્ડિંગ કોડ, સુરક્ષા માપદંડ અને આપત્તિ વ્યવસ્થાપનની સ્થિતિ મજબૂત હોવી આવશ્યક છે.