કેરળની Alappuzhaમાં એક એવી રેસ્ટોરાં ખુલી છે, જ્યાં તમને બિલ ભરવાની જરૂર નથી. આ વાત સાચી છે, કેરળના આ રેસ્ટોરામાં પસંદગીનું ભોજન અનલિમિટેડ માત્રામાં ખાઈ શકો છો. તમારે ચિંતા કરવાની જરૂર નથી કે બિલ કેટલું આવશે? કારણ કે રેસ્ટોરામાં કોઈ બિલિંગ કાઉન્ટર નથી અને ન કોઈ કેશિયર રાખવામાં આવ્યો છે. રેસ્ટોરાંના વેટર પણ તમને બિલ આપશે નહીં.
આ વાત કેવી રીતે સંભવ છે તે અંગે ઘણા લોકો વિચારતા હશે, એક અંગ્રેજી અખબારની રિપોર્ટ અને કેરળના નાણા મંત્રી થોમસ ઈસાકની ફેસબુક પોસ્ટ અનુસાર કેરળના અલાપ્પુજામાં ચેરથલા રાજમાર્ગ પાસે આ અનોખી રેસ્ટોરાં ખુલી છે. જ્યાં તમારે જેટલું જમવું હોય જમો અને બિલ ભરવામાંથી તમને મુક્તિ મળે છે. થોમસ ઈસાકે પણ આ રેસ્ટોરાંમાં કોઈ કેશિયર ન હોવાની વાત કહી હતી. તમે જ આ હોટલના કેશિયર છો, તેથી તમારી ઈચ્છા અનુસાર રેસ્ટોરાંમાં રાખવામાં આવેલા એક બોક્સમાં પૈસા નાંખી શકો છો. જો તમે બોક્સમાં પૈસા નાખ્યા વગર પણ બહાર નીકળશો તો કોઈપણ તમને અટકાવશે નહીં. થોમસ ઈસાક અનુસાર જનતા ભોજનાલયનો હેતુ ‘Eat as much as you want, give as much as you can’ એટલે કે ‘જમવું હોય એટલું જમો અને ચુકવવા હોય એટલા જ પૈસા ભરો’નો છે.