એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ માટે શિક્ષક ભરતી કૌભાંડમાં પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટર્જી અને તેમના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીની રૂ. 48.22 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ટાંચ કરાયેલી મિલકતોમાં 40.33 કરોડ રૂપિયાની કિંમતના કોલકાતાના પોશ વિસ્તારોમાં ફ્લેટ, ફાર્મ હાઉસ અને જમીનનો સમાવેશ થાય છે. આ સિવાય બેંક ખાતામાં 7.89 કરોડ રૂપિયા જમા છે.
એજન્સીનું કહેવું છે કે અટેચ કરેલી સંપત્તિ અને બેંક બેલેન્સ નકલી કંપનીઓના નામે હતા. પરંતુ તેની માલિકી પાર્થ ચેટર્જી પાસે હતી અને દરેક વ્યક્તિ પાર્થના કહેવા પર આ નકલી કંપનીઓને નિયંત્રિત કરી રહી હતી.
EDએ 23 જુલાઈ 2022ના રોજ દરોડા બાદ પાર્થની ધરપકડ કરી હતી. તે સમય દરમિયાન, એજન્સીએ પાર્થ અને તેની નજીકની સહયોગી અર્પિતા પાસેથી 49.80 કરોડ રૂપિયા રોકડ અને 5.08 કરોડની જ્વેલરી રિકવર કરી હતી. EDએ શિક્ષક ભરતી કૌભાંડમાં પાર્થ ચેટરજીની ધરપકડ કરીને 23 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં રાખીને પૂછપરછ પણ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં EDએ 103.10 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
શિક્ષણ મંત્રી રહીને આચર્યું મોટું કૌભાંડ
પાર્થ ચેટર્જી પશ્ચિમ બંગાળ સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ, સંસદીય બાબતો અને ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી હતા અને જ્યારે આ શિક્ષક ભરતી કૌભાંડ થયું ત્યારે અગાઉ તેઓ પ્રભારી શિક્ષણ મંત્રી હતા. આરોપ છે કે પાર્થ જ્યારે પશ્ચિમ બંગાળ સરકારમાં શિક્ષણ મંત્રી હતા ત્યારે ગ્રુપ સી અને ડી સ્ટાફની ભરતી સિવાય શિક્ષકોની ભરતીમાં ગોટાળો થયો હતો. કોલકાતા હાઈકોર્ટે સીબીઆઈને આ મામલાની તપાસ કરવા કહ્યું હતું, ત્યારબાદ ઈડીએ સીબીઆઈમાં નોંધાયેલા કેસના આધારે મની લોન્ડરિંગનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.