મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ અને ફેસબુક ઇન્ક. (“Facebook”)એ આજે જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુકનાં રૂ. 43,574 કરોડના રોકાણ માટે સમજૂતીની જાહેરાત કરી હતી. ફેસબુકના આ રોકાણથી જિયો પ્લેટફોર્મ્સનું મૂલ્ય રૂ. 4.62 લાખ કરોડ પ્રી-મની એન્ટરપ્રાઇઝ વેલ્યુ (65.95 અબજ ડોલર, એક અમેરિકન ડોલર સામે રૂ. 70ના વિનિયમ દર પર) થયું છે. ફેસબુકનું આ રોકાણ એને જિયો પ્લેટફોર્મ્સમાં સંપૂર્ણ ડાઇલ્યુટેડ ધોરણે 9.99 ટકા ઇક્વિટી હિસ્સો આપશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ અદ્યતન ટેકનોલોજી કંપની છે, જે ભારત માટે ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરવામાં મોખરે છે. જિયો પ્લેટફોર્મે જિયોની અગ્રણી ડિજિટલ એપ્સ, ડિજિટલ ઇકોસિસ્ટમ અને ભારતનાં #1 હાઈ સ્પીડ કનેક્ટિવિટી પ્લેટફોર્મને એકછત હેઠળ લાવી છે. 388 મિલિયનથી વધારે સબસ્ક્રાઇબરને કનેક્ટિવિટી પ્રદાન કરતું પ્લેટફોર્મ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ એ જિયો પ્લેટફોર્મ્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે જળવાઈ રહેશે.
જિયોનું વિઝન 1.3 અબજ ભારતીયો અને ભારતીય વ્યવસાયોને, ખાસ કરીને નાનાં વેપારીઓ, અતિ નાનાં વ્યવસાયો અને ખેડૂતો માટે ડિજિટલ ઇન્ડિયામાં સામેલ કરવા સક્ષમ બનાવવાનું છે. જિયોએ ભારતીય ડિજિટલ સર્વિસીસ સેગમેન્ટમાં પરિવર્તનનો પવન ફૂંક્યો છે અને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ટેકનોલોજી લીડર તરીકે અગ્રેસર કર્યો છે તેમજ દુનિયામાં અગ્રણી ડિજિટલ અર્થતંત્રો વચ્ચે સ્થાન અપાવ્યું છે.
જિયોએ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ડિવાઇઝીસ, ક્લાઉડ એન્ડ એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગ્મેન્ટેડ અને મિક્સ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન જેવી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આંતરરાષ્ટ્રીય સ્તરનું ડિજિટલ પ્લેટફોર્મ ઊભું કર્યું છે.
જિયોએ જિયો ડિજિટલ લાઇફનો અનુભવ આપવા દરેક ભારતીય માટે નેટવર્ક, વિવિધ ડિવાઇઝ, જુદી જુદી એપ્લિકેશન, કન્ટેન્ટ, સર્વિસનો અનુભવ અને વાજબી ટેરિફ ધરાવતી ઇકો-સિસ્ટમ ઊભી કરી છે. હાલ કોવિડ-19 કટોકટી દરમિયાન જિયોના પ્લેટફોર્મ્સ આપણા દેશ માટે વિશ્વસનિય અને સર્વસમાવેશક ડિજિટલ લાઇફલાઇન બની ગયા છે.
દુનિયામાં સૌથી મોટા દેશોમાં સામેલ ભારત ફેસબુકની ડિજિટલ ચેનલ્સ વ્હોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ જીવંત કમ્યુનિટી (સમુદાયો) ધરાવે છે. છેલ્લાં થોડા વર્ષોમાં ફેસબુકે ભારતની ઉદ્યોગસાહસિક પ્રતિભા અને તકમાં દ્રઢ વિશ્વાસ મૂકીને ભારતમાં રોકાણ કર્યું છે, જેથી એના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ભારતીયો અને ભારતીય વ્યવસાયો માટે અર્થસભર રીતે ઉપયોગી થવામાં મદદ મળે.
ફેસબુક અને જિયો વચ્ચેનું જોડાણ અનેક રીતે અભૂતપૂર્વ છે. આ દુનિયામાં કોઈ પણ દેશમાં કોઈ ટેકનોલોજી કંપની દ્વારા માઇનોરિટી સ્ટેક (લઘુમતી હિસ્સા) માટે સૌથી મોટું રોકાણ છે અને ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રમાં સૌથી મોટું એફડીઆઈ (પ્રત્યક્ષ વિદેશી રોકાણ) છે. આ રોકાણના મૂલ્યથી જિયો પ્લેટફોર્મ્સે બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ભારતમાં ટોચની 5 લિસ્ટેડ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે અને એ પણ કમર્શિયલ સેવાઓ શરૂ કર્યાનાં ફક્ત સાડા ત્રણ વર્ષની અંદર. આ સફળતાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અદ્યતન, પરિવર્તનકારક વ્યવસાયોનું નિર્માણ કરવાની ક્ષમતાને પુરવાર કરી છે તેમજ સાથે સાથે બજારને નવેસરથી પરિભાષિત કરીને શેરધારકોને શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કર્યું છે.
આ રોકાણ સાથે અમારો લક્ષ્યાંક તમામ પ્રકારના વ્યવસાયો માટે નવી તકો ઊભી કરવાનો છે, ખાસ કરીને ભારતમાં નાનાં વ્યવસાયો માટે. વળી અમે અદ્યતન ડિજિટલ ઇકોસિસ્ટમ ઊભી કરવા માંગીએ છીએ, જે 1.3 અબજ ભારતીયોનાં જીવનને સક્ષમ બનાવશે, એમના જીવનમાં સમૃદ્ધિ લાવશે અને એમના જીવનની ગુણવત્તા વધારશે.
આ જોડાણ ભારતના સંપૂર્ણ વિકાસને વેગ આપશે, ભારતીય લોકો અને ભારતીય અર્થતંત્રની જરૂરિયાતો પૂર્ણ કરશે. અમારું ધ્યાન ભારતનાં 60 મિલિયન અતિ નાનાં, નાનાં અને મધ્યમ વ્યવસાયો, 120 મિલિયન ખેડૂતો, 30 મિલિયન નાનાં વેપારીઓ તથા અનૌપચારિક ક્ષેત્રમાં લાખો લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો પર કેન્દ્રિત રહેશે. વળી અમે વિવિધ ડિજિટલ સેવાઓ ઇચ્છતાં લોકોને સક્ષમ બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશું.
ભારત અને દુનિયાના અર્થતંત્રો પર કોરોનાવાયરસ રોગચાળાને કારણે માઠી અસર થઈ છે. આ પ્રકારનાં સ્થિતિસંજોગોમાં આ ભાગીદારી વિશેષ મહત્ત્વ ધરાવે છે. કોવિડ પછીના સમયગાળામાં ભારતીય અર્થતંત્રને ફરી દોડતું કરવા એનું મોટા પાયે ડિજિટલાઇઝેશન કરવું જરૂરી થઈ પડશે. અમે માનીએ છીએ અને અમે ખાતરી આપી છીએ કે, ભારતનાં સંપૂર્ણ ડિજિટલ પરિવર્તનની પ્રક્રિયામાં એક પણ ભારતીય નવા રોજગાર અને નવા વ્યવસાયો સહિત કોઈ પણ પ્રકારની નવી તકોથી વંચિત ન રહેવો જોઈએ.
આ રોકાણ અને જોડાણની સાથે જિયો પ્લેટફોર્મ્સ, રિલાયન્સ રિટેલ લિમિટેડ (“રિલાયન્સ રિટેલ”) અને વ્હોટ્સએપએ વ્હોટ્સએપનો ઉપયોગ કરતા જિયોમાર્ટ પ્લેટફોર્મ પર રિલાયન્સ રિટેલનાં ન્યૂ કોમર્સ બિઝનેસને વેગ આપવા અને વ્હોટ્સએપ પર નાનાં વ્યવસાયોને ટેકો આપવા કમર્શિયલ પાર્ટનરશિપ સમજૂતી પણ કરી છે. વ્હોટ્સએપ ભારતમાં લોકોને મદદ કરવા અને વ્યવસાયોને જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રિલાયન્સ રિટેલનું ન્યૂ કોમર્સ પ્લેટફોર્મ જિયોમાર્ટ લાખો નાનાં વેપારીઓ અને કિરાના શોપ સાથે ભાગીદારીમાં ઊભું થયું છે, જે વેપારીઓ અને કિરાના શોપને ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો વધારે સારી રીતે પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે. આ કંપનીઓ એકબીજા સાથે ખભેખભો મિલાવીને કામ કરશે, જેથી ગ્રાહકો નજીકના કિરાનાની સુલભતા સક્ષમ બનાવે છે. આ કિરાના શોપ અને નાનાં વેપારીઓ વ્હોટ્સએપનો ઉપયોગ કરીને જિયોમાર્ટ સાથે વ્યવહાર કરીને ગ્રાહકોને તેમના ઘરે ઉત્પાદનો અને સ વાઓ પૂરી પાડી શકે છે.
ફેસબુક સાથે પાર્ટનરશિપ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “જ્યારે રિલાયન્સે વર્ષ 2016માં જિયો લોંચ કરી હતી, ત્યારે અમે દરેક ભારતીયના જીવનની ગુણવત્તા સુધારવા અને વિશ્વની ટોચની ડિજિટલ સોસાયટી તરીકે ભારતને અગ્રેસર કરવા ભારતના ડિજિટલ સર્વોદયનું એટલે કે ડિજિટલ ક્ષેત્રમાં ભારતની સર્વસમાવેશકતાને આગળ વધારવાનું સ્વપ્ન સેવ્યું હતું. એટલે રિલાયન્સમાં અમે બધા તમામ ભારતીયોના લાભ માટે ભારતની ડિજિટલ ઇકોસિસ્ટમને વિકસાવવા અને પરિવર્તિત કરવાનું જાળવી રાખવા અમારા લાંબા ગાળાના પાર્ટનર તરીકે ફેસબુકને આવકારીએ છીએ. જિયો અને ફેસબુક વચ્ચેનો સમન્વય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા મિશન’ને એના બે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકો – ‘જીવનની સરળતા’ અને ‘વ્યવસાય કરવાની સરળતા’ પાર પાડીને સાથે સાકાર કરશે, જેમાં દરેક ભારતીયને વિકાસ કરવાની તક મળશે અને એક પણ ભારતીય બાકાત નહીં રહે. મને વિશ્વાસ છે કે, કોરોના પછીનાં સમયગાળામાં ભારતીય અર્થતંત્ર સુધારાને માર્ગે અગ્રેસર થશે અને ટૂંકા ગાળામાં વિકાસની નવી ઊંચાઈ સર કરશે. આ જોડાણ ભારતીય અર્થતંત્રનાં પરિવર્તનમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરશે.”
આ નાણાકીય વ્યવહાર નિયમનકારી અને અન્ય સરકારી મંજૂરીઓને આધિન છે. આ નાણાકીય વ્યવહારના નાણાકીય સલાહકાર મોર્ગન સ્ટેન્લી હતા તથા કાઉન્સેલ્સ તરીકે એઝેડબી પાર્ટનર્સ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલે સેવા આપી હતી.