છેલ્લા થોડા દિવસોથી દેશના જુદા – જુદા ભાગોમાં ખેડૂતો કેંદ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે જેના પગલે શાકભાજીના ભાવ આકાશને આંબ્યા છે . સુરતમાં દરેક શાકભાજીના ભાવ લગભગ બમણા થઈ ગયા છે . APMC એ જણાવ્યું કે , ખેડૂતોના આંદોલનની અસર અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજીના ભાવો પર પણ પડી છે . આગામી દિવસોમાં હજુ શાકના ભાવમાં વધારો થવાની શક્યતા છે .
શાકભાજીનો નવો સ્ટોક ન આવતો હોવાથી ડાયમંડ સિટી સુરતમાં છૂટક વેચાતા શાકના ભાવમાં લગભગ 10-20 રૂપિયા પ્રતિ કિલો વધ્યા છે . ડાબેરીઓએ 5 જૂનથી આંદોલન વધુ ઉગ્ર બનાવવાની આપેલી ધમકીના પગલે હાલના તબક્કે સ્થિતિ સુધરવાના કોઈ અણસાર નથી . ખેડૂતોના વિવિધ સંગઠનોએ દેશના 22 રાજ્યોમાં 10 દિવસના આંદોલનની જાહેરાત કરી છે . સાથે જ તેમના ઉત્પાદનના ષોષણક્ષમ ભાવ મળે , સ્વામીનાથન કમિશનની ભલામણોનો અમલ થાય અને ખેડૂતોની લોન માફ થાય તેવી માગ કરી છે . સુરત APMC ના વેપારી ભાણા પટેલે કહ્યું કે , ” આંદોલનના કારણે પાડોશી રાજ્યોમાંથી આવતા શાકભાજીના સપ્લાય પર અસર પડી છે . છેલ્લા થોડા દિવસોમાં શાકભાજીના ભાવમાં લગભગ 100 ટકા વધારો થયો છે . ” ફ્લાવરની હોલસેલ કિંમતમાં પ્રતિ 20 કિલો 250 રૂપિયા વધ્યા છે . રીંગણના ભાવ પ્રતિ 20 કિલોએ 200 રૂપિયા , ટામેટાંના ભાવમાં 200 રૂપિયા , ભીંડાના ભાવમાં 500 રૂપિયા અને પ્રતિ 20 કિલો ડુંગળીના ભાવ 60 રૂપિયા વધ્યા છે . પાલનપુર પાટિયા માર્કેટના છૂટક વેપારી માનારામ ચૌધરીએ જણાવ્યું કે , ” શાકભાજીના વધતા ભાવના કારણે ગ્રાહકો અમારા પર ગુસ્સે થાય છે . હોલસેલ માર્કેટમાં આવતા શાકભાજીના ભાવ વધારે હોવાથી છૂટક વેચાતા શાકભાજીના ભાવ અમારે નાછૂટકે વધારવા પડે છે . ” અડાજણ વિસ્તારના ગૃહિણી રેખા નામ્બિયારે કહ્યું કે , ” ખેડૂતોની હડતાલને કારણે અમારું માસિક બજેટ ખોરવાયું છે . મધ્યમવર્ગીય પરિવારોને મોંઘા શાકભાજી પોસાતા નથી . અમે તો બસ એટલી પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી જ આ આંદોલન સમેટાઈ જાય . “


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.