નવી દિલ્હી : કોરિયન ઓટો કંપની Kia (કિયા) મોટર્સ સતત ભારતમાં સફળતાનો ધ્વજ લહેરાવી રહી છે. છેલ્લા આંકડા દર્શાવે છે કે ઓક્ટોબરમાં કિયા મોટર્સના વેચાણને વેગ મળ્યો હતો. તમને અહીં જણાવી દઇએ કે નવરાત્રી ઓક્ટોબરમાં હતી અને લોકો આ પ્રસંગે ખરીદીને શુભ માનતા હોય છે.
કિયા મોટર્સ ઇન્ડિયાના આંકડા મુજબ, અગાઉના વર્ષની તુલનામાં આ વર્ષે ઓક્ટોબરમાં વેચાણ 64 ટકા વધી 21,021 એકમ થયું છે. ઓક્ટોબર 2019 માં કંપનીએ 12,854 વાહનોનું વેચાણ કર્યું હતું.
કિયા મોટર્સે આ વર્ષે ઓક્ટોબરમાં 11,721 સોનેટ તેમજ 8,900 સેલ્ટો અને 400 કાર્નિવલનું વેચાણ કર્યું છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે ઓક્ટોબરમાં ઉત્તમ વેચાણના આધારે ભારતના રસ્તાઓ પર દોઢ લાખ વાહનો દોડી રહ્યા છે. કંપની દેશની ચોથી સૌથી મોટી વાહન ઉત્પાદક કંપની છે.
કિયા મોટર્સે જણાવ્યું હતું કે તેનું એકંદર વેચાણ સારું રહ્યું છે, ખાસ કરીને ઉત્સવની સીઝનની શરૂઆતમાં, કારણ કે આ સમયગાળા દરમિયાન માંગમાં વધુ સુધારો થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે, દિવાળી અને ધનતેરસના પ્રસંગે પણ લોકો કાર ખરીદવાનો આગ્રહ રાખે છે.
ગયા વર્ષે, કિયા મોટર્સે સેલ્ટોસ દ્વારા ભારતના ઓટો ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. આ એસયુવી કારની ભારે માંગ છે. તાજેતરમાં, કંપનીએ સેલ્ટોસની વર્ષગાંઠ આવૃત્તિ રજૂ કરી છે. તેની શોરૂમની કિંમત 13.75 લાખ રૂપિયાથી 14.85 લાખ રૂપિયાની વચ્ચે છે.