ચીની એપ્લિકેશન (Chinese Application)પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે ભારત ફરીથી ચીનને (China) આર્થિક આંચકો આપવાની યોજના બનાવી રહ્યું છે. ભારત સરકારે હવે ચીનને આર્થિક ફટકો આપવા માટે ચાઇનાથી આયાત (Chinese Import) કરેલા રમકડા ઉપર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી લીધી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં 80 ટકા રમકડાં ચીનથી આયાત કરવામાં આવે છે. આંકડા મુજબ, ભારતમાં ચીનના રમકડા વ્યવસાય આશરે 2000 કરોડ રૂપિયા છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ચાઇનીઝ રમકડામાં (Chinese Toys) વપરાતા પ્લાસ્ટિક અને રંગો હાનિકારક હોય છે અને તે નાના બાળકોના સ્વાસ્થ્યને ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય, ચાઇનીઝ રમકડામાં વપરાતા રસાયણો ખૂબ હાનિકારક હોય છે. ચીન નબળી ગુણવત્તાવાળા રમકડાં ભારત મોકલે છે.
આટલું જ નહીં, ચાઇનીઝ રમકડાં ગુણવત્તા નિયંત્રણમાં પણ નિષ્ફળ જાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં, જ્યારે ચાઇનીઝ રમકડાંની બારીકાઈથી તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ચાઇનીઝ રમકડાં ભારતીય ધોરણોમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ‘વોકલ ફોર લોકલ’ અભિયાન અંતર્ગત ભારત સરકાર હવે દેશમાં જ રમકડા બનાવવા પર ભાર આપી રહી છે. શનિવારે, તેના વિશે એક બેઠક પણ બોલાવવામાં આવી હતી, જેમાં પરંપરાગત લાકડાના રમકડાંના નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે, બેઠકમાં રિમોટ કંટ્રોલ દ્વારા ચાલતા રમકડાં વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
જો કે, ભારતમાં રમકડા ઉદ્યોગને આગળ વધારવામાં મોટી અડચણો પણ છે. પ્રથમ પડકાર સસ્તા રમકડાં બનાવવાનું છે. આજકાલ મોટાભાગના રમકડાં રિમોટ વાળા અથવા બેટરીઓ સાથે આવતા હોય છે જે બાળકોને ગમે છે. આ માટે, સેન્સર, રિમોટ અને બેટરીવાળા મશીનો સસ્તામાં તૈયાર કરવા પડશે કારણ કે જો તે સસ્તી નહીં હોય તો રમકડાની કિંમત ઓછી નહીં હશે. આ જ કારણ છે કે મોદી સરકાર બાળકોને પરંપરાગત રમતો અને રમકડા સાથે જોડવા માંગે છે જે ન તો બાળકો માટે નુકસાનકારક છે અને ન જોખમી. ઉપરાંત, આપણી પરંપરાની ઓળખ પણ બની રહેશે.