સલમાન ખાનને ધમકી આપવાના મામલામાં FIR નોંધાઈ, પાંચ કરોડ રુપિયાની મંગાઈ હતી ખંડણી
Salman Khan: બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. ધમકીભર્યા મેસેજમાં અભિનેતા સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. આ મેસેજ મુંબઈ ટ્રાફિક પોલીસના વ્હોટ્સએપ નંબર પર મોકલવામાં આવ્યો છે. જે બાદ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. કેસ નોંધ્યા બાદ મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Salman Khan ને મોકલવામાં આવેલા ધમકીભર્યા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે તેને હળવાશથી ન લો. જો સલમાન ખાને જીવિત રહેવું હોય અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવી હોય તો તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. મેસેજમાં વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે જો પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે.
સલમાનના ફાર્મહાઉસ પાસે સુરક્ષા વધારી દેવામાં આવી છે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુંબઈ પોલીસે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. આ ધમકીભર્યા મેસેજ બાદ મહારાષ્ટ્રના રાયગઢમાં સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
ગયા અઠવાડિયે બાબા સિદ્દીકીની હત્યા
તાજેતરમાં જ મુંબઈમાં સલમાનનાં અંગત મિત્ર અને NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. હત્યાના થોડા સમય પછી, બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ જાહેર કરી જેમાં કહ્યું કે સલમાન ખાનને ટેકો આપનારાઓનો અંજામ પણ આવો જ હશે.