જો તમારી પાસે SBIમાં રિટેલ લોન ચાલી રહી છે, તો હાલ તમારા માટે થોડી રાહતના સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, હાલ જે રીતે દેશમાં કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લૉકડાઉનની સ્થિતી બની છે, તેવામાં આવતા ત્રણ મહિના માટે લોનની ઇએમઆઈ ચૂકવવાની રહેશે નહીં. આ માહિતી એસબીઆઈના અધ્યક્ષ રજનીશ કુમારે આપી છે. એસબીઆઈના અધ્યક્ષ રજનીશ કુમારે જણાવ્યું હતું કે, લોન લેનારાઓના ઇએમઆઈના ત્રણ હપ્તા આપમેળે મોકૂફ રાખવામાં આવ્યા છે. આ માટે ગ્રાહકે બેંકમાં અરજી કરવાની જરૂર નથી. જો કે, એસબીઆઈના ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર હાલમાં કોઈ રાહત નથી આપી. એસબીઆઇના અધ્યક્ષે એ પણ સ્પષ્ટ કર્યું કે, 3 મહિના સુધી ઇએમઆઈની ચુકવણી નહીં કરવામાં આવે તો ગ્રાહકોના ક્રેડિટ સ્કોરને અસર નહીં થાય.
શુક્રવારે સવારે આરબીઆઈએ બેંકોમાંથી લોનના ઇએમઆઈ આપતા લોકોને 3 મહિના સુધીની રાહત આપવાની સલાહ આપી હતી. લૉકડાઉનને કારણે આરબીઆઈએ આ સલાહ આપી છે. જો કે આરબીઆઈએ તેને ફરજિયાત બનાવ્યું નથી. આ પછી, એસબીઆઇ એ પહેલી બેંક છે, જેણે ગ્રાહકોને રાહત આપી છે. હવે અન્ય સરકારી અને ખાનગી બેંકો પર ગ્રાહકોની લોનની EMI 3 મહિના માટે વધારવા માટે દબાણ વધારવામાં આવ્યું છે. બેન્કો તમારા માસિક હપતામાં વધારો કરશે. આ સિવાય, તમે થોડા મહિનાના કાર્યકાળ અથવા એક સમયસીમાનો વિકલ્પ પણ મેળવી શકશો. જેના માટે તમને 6 થી 9 મહિના સુધીનો સમયગાળો મળી શકે છે.