નવી દિલ્હીઃ ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન થયુ છે. તે ગત દિવસોમાં કોરોનાથી સંક્રમિત થયા હતા. તેઓ 91 વર્ષના હતા. છેલ્લા થોડા દિવસોમાં તેમની તબિયત વધારે ખરાબ થતાં શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જો કે, તેમના પરિવાર તરફથી હજૂ સુધી કોઈ નિવેદન આવ્યુ નથી.
સોલી સોરાબજી બે વાર દેશના એટોર્ની જનરલ રહી ચુક્યા હતા. પહેલી વાર 1989થી 90 અને ફરી 1998થી 2004 સુધી. સોલી સોરાબજદીનું આખુ નામ સોલી જહાંગીર સોરાબજી હતુ. તેમનો જન્મ 1930માં બોમ્બેમાં થયો હતો. તેમણે 1953માં બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી.
ત્યાર બાદ બોમ્બે હાઈકોર્ટમાં સીનિયર એડવોકેટ તરીકે નિમણૂંક થયા. 7 દાયકાઓ સુધી તેઓ કાયદાના ક્ષેત્રમાં જોડાયેલા રહ્યા. તેમણે 2002માં પદ્મ વિભૂષણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની ઓળખાણ દેશના સૌથી મોટા માનવાધિકાર વકીલ તરીકે થતી હતી.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,86,452 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 3498 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,87,62,976 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 15,22,45,179 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.