પ્રોજેક્ટર ઉપર દિલ્હી કેપિટલ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાતી IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઇન્ડિયન વિમેન્ટ ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠે સહિત 19ની સટોડિયાઓની પોલીસે ધરપકડ કરી છે. આ સટોડીયાઓ મોબાઇલ ફોનમાં ક્રિકેટ ફાસ્ટ લાઇવ લાઇન, ક્રિકેટ ગુરૂ અને ક્રિક લાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને ક્રિકેટ ઉપર સટ્ટો રમતા હતા.
બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચે રેડ પાડી
ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કે.જે.ધડુકે જણાવ્યું હતું કે, અલકાપુરી એક્ઝોટિકા ખાતે આવેલા કેફેની બાજુના શેડમાં કેફેના માલિકો દ્વારા પ્રોઝેક્ટરનો ઉપયોગ કરીને આઇ.પી.એલ.ની દિલ્હી કેપિટલ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાતી મેચ લાઇવ બતાવીને સટ્ટો રમાડતા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે દરોડો પાડી 19 સટ્ટોડીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જમાંથી બાબા નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે સ્થળ પરથી 21 મોબાઇલ ફોન, પ્રોજેક્ટર, 9 ટુ-વ્હીલર અને ફોર વ્હીલર, પ્રોઝેક્ટર સ્ક્રિન મળી કુલ રૂપિયા 14,39,960નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
