દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીની જિંદગીના ઘણા રસપ્રદ કિસ્સા છે. આ કિસ્સામાં એક સોનાની થાળીમાં જમવાની શરત પણ સામેલ છે. વર્ષ 1935માં હિંદી સાહિત્ય સમ્મેલન માટે ગાંધીજી ઇન્દોર આવ્યા હતા, ત્યારે શેઠ હુકુમચંદે તેમને ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. શેઠ સાહિત્ય સમિતિ સાથે જોડાયેલા હતા. ગાંધીજીએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું અને તેમના ઘરે પહોંચ્યા. તેમની સાથે અન્ય લોકોને પણ આમંત્રણ આપ્યું હતું. આ તમામને ચાંદીની થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું, પણ ગાંધીજીને સોનાની થાળીમાં પીરસ્યું. ગાંધીજીએ સોનાની થાળીમાં જમવાની ના પાડી અને કહ્યું કે, મને પણ તે જ થાળીમાં આપો જેમાં અન્યને જમવાનું પીરસ્યું છે.
શેઠ હુકમ ચંદે બાપુને સોનાની થાળીમાં જ જમવાનો આગ્રહ કર્યો. બાપુએ કહ્યું કે, હું મારા વાસણમાં જ જમું છું અથવા તો તે વાસણમાં જમું છું તેને મારી સાથે લઈ જઉં છું. બોલો હવે હું શું કરું? આ મસયે શેઠ ગાંધીજીનો કહેવાનો અર્થ સમજી ગયા અને તેમણે સોનાની થાળીમાં જ જમવાનું કહ્યું. ગાંધીજીએ આ સોનાની થાળીમાં જમ્યા પછી જાતે સાફ કરી અને તેને પોતાની ઝોળીમાં મૂકી દીધી. હિંદી સાહિત્ય સમિતિના પ્રચારમંત્રી અરવિંદ ઓઝાએ જણાવ્યું કે, બાપુએ સોનાની થાળી વેચી દીધી અને તેના રૂપિયા હિંદી સાહિત્ય સમિતિના નિર્માણ માટે દાન કરી દીધા.