બિહારના વૈશાલી જીલ્લામાં બનેલી ઘટનાએ ફરીવાર દેશમાં કાયદા વ્યવસ્થાનો કોઇ ડર ન હોવાનું પૂરવાર કર્યું છે. અહી છેડતીનો વિરોધ કરનાર એક જ પરિવારના 13 સભ્યો પર એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે મહિલા સહિત બધા જ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
આ ઘટના વૈશાલી જીલ્લાના દાઉદપુર ગામની છે. જ્યાં એજ પરિવારના સભ્યો પર ક્રૂરતા આચરવામાં આવી છે. આ મામલે પોલીસ પણ સક્રિય બની તપાસ કરી રહી છે. પોલીસ મુજબ પરિવારના સભ્યોનો કેટલાક લોકો સાથે છેડતી મામલે સંઘર્ષ થયો હતો, બંને પક્ષો વચ્ચે મારપીટ થયા પછી મામલો શાંત પડી ગયો હતો. પરંતુ બુધવારે બીજા પક્ષના લોકોએ ઘરમાં ઘૂસીને પરિવાર પર એસિડથી હુમલો કર્યો. આ હુમલામાં 13 સભ્યો દાઝી ગયા હતા. તેમાંથી કેટલાક લોકોની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલ છે.
પીડિત પરિવારનો આરોપ છે કે, છેડતીનો વિરોધ કરવા પર તેમના પરિવારના સભ્યો પર એસિડ ફેંકવામાં આવ્યું હતું. તમામ પીડિતોને હાજીપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વૈશાલી પોલીસ તંત્રએ આ મામલે પાંચ આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવ ઉભો થયો છે. પોલીસ તંત્રએ સ્થિતિને કાબૂ કરવા માટે પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી હતી.