ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષની દલિત યુવતીએ આખરે આજે દિલ્હીની હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ડૉક્ટરોના અથાક પ્રયાસો પણ એને બચાવી શક્યા નહોતા.
ખેતરમાં લઇ જઇને ગેંગરેપ કર્યો
આ યુવતી પોતાના ભાઇ અને માતા સાથે હાથરસના ચંદપા ગામના એક ખેતરમાં ચારો લઇ રહી હતી. પોતાનું કામ પૂરું થતાં એનો ભાઇ ઘર તરફ ચાલ્યો ગયો હતો. એની માતા દૂર રહીને ચારો લઇ રહી હતી. એ સમયે ગામના ચાર ઠાકુર યુવાનોએ આ યુવતીને દબોચી હતી અને નજીકના એક જુવારના ખેતરમાં લઇ જઇને ગેંગરેપ કર્યો હતો. પોતે ઓળખાઇ ન જાય એવા હેતુથી તેમણે આ યુવતીની જીભ કાપી નાખી હતી. થોડા દિવસ બેભાન રહ્યા પછી આ યુવતી ભાનમાં આવી ત્યારે એણે પોતાની દુર્દશા કુટુંબીજનોને જણાવી હતી.
દિલ્હી લઇ જવાની ફરજ પડી
શરૂમાં એને અલીગઢની જેએન મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઇ હતી. એ પહેલેથી જ વેન્ટિલેટર પર હતી. અહીંના ડૉક્ટરોને એમ લાગ્યું હતું કે એને દિલ્હીની મોટી હૉસ્પિટલમાં ખસેડવી જોઇએ એટલે વધુ સઘન સારવાર માટે એને દિલ્હી લઇ જવાની ફરજ પડી હતી.
બેંક ખાતામાં જમા કરાવી દેવાયા
14મી સપ્ટેંબરે એના પર ગેંગરેપ થયો હતો. એની કરોડરજ્જુ પણ તૂટેલી મળી હતી. હાથરસના એએસપી પ્રકાશ કુમારે કહ્યું કે ચારે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને 376 ડી સેક્શનના આધારે ચાર લાખ સાડા બાર હજાર રૂપિયા પીડિતાના પરિવારના બેંક ખાતામાં જમા કરાવી દેવાયા હતા. પીડિતાનું પોસ્ટમોર્ટમ દિલ્હીમાં કરાશે.