દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાન ડેથ કેસને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. દિશાના પિતા સતીશ સાલિયાનના વકીલ નિલેશ ઓઝાએ જણાવ્યું હતું કે તેઓ મુંબઈ પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) લક્ષમી ગૌતમને મળ્યા હતા અને આદિત્ય ઠાકરે અને અન્યો સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી, જેને સ્વીકારવામાં આવી છે. આ અંગે મુંબઈમાં સીપી ઓફિસમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
દિવંગત દિશા સલિયાનના પિતા સતીશ સાલિયાને તેમની કાનૂની ટીમ સાથે મંગળવારે મુંબઈ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપી હતી, જેમાં આદિત્ય ઠાકરે અને અન્ય લોકો સામે તેમની પુત્રી સાથે કથિત ગેંગરેપ અને હત્યા માટે એફઆઈઆર નોંધવાની માંગણી કરી હતી.
આ પછી પત્રકારો સાથે વાત કરતા વકીલ નિલેશ ઓઝાએ કહ્યું કે બોમ્બે હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ લેખિત ફરિયાદને એફઆઈઆર ગણવી જોઈએ અને તેના આધારે તેમણે આદિત્ય ઠાકરે, અભિનેતા સૂરજ પંચોલી અને ડીનો મોરિયા અને આદિત્ય ઠાકરેના બોડીગાર્ડ વિરુદ્ધ ગેંગરેપ અને હત્યાની એફઆઈઆર દાખલ કરી છે.
‘ઉદ્ધવ ઠાકરે પણ આરોપી’
વકીલ ઓઝાએ વધુમાં કહ્યું કે, આદિત્ય ઠાકરે આ કેસમાં મુખ્ય આરોપી છે. ઉદ્ધવ ઠાકરે, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાજે પર કેસ દબાવવાનો આરોપ છે. મુખ્યમંત્રી હતા ત્યારે ઉદ્ધવ ઠાકરેએ આ મામલાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કર્યો હતો.
દિશાના મોતનું કારણ ‘ડ્રગ્સ’?
એડવોકેટ નિલેશ ઓઝાએ એવો પણ દાવો કર્યો હતો કે આદિત્ય ઠાકરે અને ડીનો મોરિયાનો ડ્રગ્સ બિઝનેસ સાથે સીધો સંબંધ છે. તેમણે કહ્યું, “NCBની તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલા છે. આ ખૂબ જ મોટું નેટવર્ક છે… એવી ઘણી બાબતો છે જેના કારણે દિશા સાલિયાનની હત્યા થઈ. અમે આ અંગે પોલીસને જાણ કરી છે.”
શું છે સમગ્ર મામલો?
તમને જણાવી દઈએ કે 28 વર્ષીય દિશા સાલિયાને 8 જૂન 2020 ના રોજ ઉપનગરીય મલાડ વિસ્તારમાં એક બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. છ દિવસ પછી, 34 વર્ષીય રાજપૂત મુંબઈના બાંદ્રામાં તેના એપાર્ટમેન્ટમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
ગયા અઠવાડિયે, સતીશ સાલિયાને બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમની પુત્રીના મૃત્યુની નવી તપાસની માંગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમની પુત્રીએ આત્મહત્યા કરી નથી પરંતુ સત્યને દબાવવા માટે સામૂહિક બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. સતીશ સાલિયાનએ શિવસેના (UBT) ધારાસભ્ય આદિત્ય ઠાકરે વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. અરજીમાં તેમણે તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ભૂમિકાની તપાસની પણ માંગ કરી છે. આ અરજી પર ટૂંક સમયમાં બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થવાની આશા છે. જેના કારણે સમગ્ર મામલામાં નવો વળાંક આવી શકે છે.
હું મારો કેસ કોર્ટમાં રજૂ કરીશ:આદિત્ય ઠાકરે
દિશા સલિયનના પિતાની અરજીના જવાબમાં શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ઘણા લોકોએ તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. જો મામલો કોર્ટમાં છે તો કોર્ટમાં જ પોતાના મંતવ્યો રજૂ કરશે.
જાણીતું છે કે કેસની તપાસ કર્યા પછી સીબીઆઈએ દિશા સાલિયાનના મૃત્યુને અકસ્માત ગણાવ્યો હતો. સીબીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, દુર્ઘટના સમયે દિશા નશામાં હતી, જેના કારણે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને બિલ્ડિંગ પરથી પડી ગઈ. CBI દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સુશાંત સિંહ અને દિશા સાલિયાનના મૃત્યુનો એકબીજા સાથે કોઈ સંબંધ નથી.