મુંબઈ : અન્ડરવર્લ્ડ ડોન ટાઇગર મેમણનો ભાઈ યુસુફ મેમણ 26 જૂન, શુક્રવારે મહારાષ્ટ્રની નાસિક જેલમાં મૃત્યુ પામ્યો છે. પ્રારંભિક તપાસમાં તેના મૃત્યુનું કારણ હાર્ટ એટેક (હ્રદય રોગનો હુમલો) માનવામાં આવી રહ્યું છે, પરંતુ તેની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. યુસુફ મેમણ 1993 ના મુંબઈ બ્લાસ્ટનો આરોપી હતો, જેને કોર્ટે 2007 માં દોષિત ઠેરવ્યો હતો. પહેલા તે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ હતો, પરંતુ 2018 માં તેને નાસિક જેલમાં ખસેડવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર, શુક્રવારે સવારે 10.30 વાગ્યે યુસુફ મેમણની અચાનક તબિયત લથડી હતી. જેલ પ્રશાસને કંઇપણ કર્યું ત્યાં સુધીમાં તે મરી ગયો હતો. પ્રાથમિક તપાસમાં તેના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું ડોકટરો માને છે. ઘટના બાદ પોલીસે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મોતની ગાંઠ ઉકેલી શકાશે.
આ વિસ્ફોટમાં 257 લોકોનાં મોત નીપજ્યાં હતાં
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 1993 માં 257 લોકો માર્યા ગયા હતા અને 1400 થી વધુ લોકો ઘાયલ થયા હતા. દાઉદ ઇબ્રાહિમ, ટાઇગર મેમણ અને તેમના કાર્યકરો આ વિસ્ફોટમાં સામેલ થયા હતા. ધડાકાઓ થતાં જ દાઉદ અને ટાઇગર દેશ છોડીને ભાગ્યા હતા. પોલીસ તપાસમાં મેમણ પરિવારના ચાર લોકો વિસ્ફોટમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. જેમાંથી યાકુબ મેમણને નાગપુર જેલમાં પહેલેથી જ ફાંસી આપવામાં આવી ચુકી છે, જ્યારે યુસુફને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તે જ સમયે, ટાઇગર અને અયુબ મેમણ હજી પોલીસ પકડથી બહાર છે.