સુપ્રસિદ્વ લેખિકા અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકના બહેન ગીતા મહેતાએ પદ્મશ્રી એવોર્ડ લેવાનો ઈન્કાર કર્યો હતો. શુક્રવારે કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ એવોર્ડની જાહેરાત કરી હતી જેમાં ગીતા મહેતાનું નામ પણ સામેલ હતું. તેમણે એવોર્ડ આપવાના સમય અંગે પ્રશ્ન કરી એવોર્ડ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
ગીતા મહેતાએ ન્યૂયોર્કથી આપેલા નિવેદનમાં જણાવ્યું કે મને સન્માનિત થવાનો ગર્વ છે કે ભારત સરકારે મને પદ્મશ્રી જેવું મોટું સન્માન આપ્યું છે. પરંતુ સખેદ જણાવવાનું કે આ એવોર્ડ લઈ શકું એમ નથી. દેશમાં સામાન્ય ચૂંટણીઓ નજીક છે અને એવોર્ડનો સમય સમાજમાં ખોટો મેસેજ આપી જશે. જે સરકાર અને મારા માટે શરમજનક વાત બની રહેશે. મને હંમેશ અફસોસ રહેશે.
ગીતા મહેતાએ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમને દેશના ચતુર્થ સૌથી મોટા સન્માન પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવ્યા હતા. પાછલા 40 વર્ષના સાહિત્યિક જીવનમાં તેમણે અનેક પુસ્તકો લખ્યા છે. નોંધનીય છે કે દેશમાં લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં થવાની શક્યતા છે. ઓરિસ્સામાં ભાજપ અને બીજેડી વચ્ચે બરાબરની ટક્કર જામવાની છે. પાછલી ચૂંટણીઓમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું હતું.