ગોવાના 63 વર્ષીય મુખ્યમંત્રી મનોહર પરિકરનું આજે સાંજે પોણા સાત વાગ્યાની આસપાર નિધન થયું છે. તેઓ પાછલા કેટલાક સમયથી સ્વાદુપિંડ(પેનક્રીયાટિક) કેન્સરની સામે ઝઝૂમી રહ્યા હતા. આજે તેમની તબિયત ગંભીર થતાં ગોવા સીએમ કાર્યાલયે તેમનું હેલ્થ બૂલેટીન પણ જાહેર કર્યું હતું. તબીબોએ ભરચક પ્રયાસો કર્યા હતા. પરંતુ પરિકરે દુનિયાને અલવિદા કહી હતી.
આ પહેલાં દિવસ દરમિયાન મનોહર પરિકરની તબિયત સતત ખરાબ થવાના કારણે તેમને ગોવાની મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારથી તેઓ ક્રિટીકલ કન્ડીશનમાં હતા.
મનોહર પરિકર ગોવાના ચાર વખત મુખ્યમંત્રી બન્યા હતા. પ્રથમ વખત તેઓ 2000થી 2005 અને ત્યાર બાદ 2012થી 2014 અને ત્યાર બાદ 2018થી તેઓ મૃત્યુપર્યન્ત મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. તેઓ સારવાર દરમિયાન પણ લોકોની વચ્ચે આવતા હતા અને વિવિધ યોજનાઓના નિરીક્ષણ માટે તેઓ મેડીકલ સાધાનો સાથે જાત નિરીક્ષણ કરતા હતા. મનોહર પરિકરની સેવા કરવાની આભાવનાની સમગ્ર દેશે પ્રશંસનીય નોંધ લીધી હતી.
પરિકરનો જન્મ 13 ડિસેમ્બર 1955માં થયો હતો. તેઓ કેન્દ્રમાં રક્ષા મંત્રી તરીકે પણ કાર્યરત રહ્યા હતા. મનોહર પરિકર જ હતા જેમણે 2013માં ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
27 ઓક્ટોબર 2018થી તેઓ કેન્સરની સામે સતત જંગ કરી રહ્યા હતા. સારવાર માટે તેઓ વિદેશ પણ ગયા હતા. તેમના પત્ની મેધા પરિકરનું 2001માં અવસાન થયું હતું. બે પુત્રો ઉત્પલ અને અભિષેક છે. પરિકરે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાંથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 26 વર્ષની ઉંમરમાં તેમને સંઘચાલક બનાવવામાં આવ્યા હતા. રામ જન્મભૂમિ મંદિર આંદોલનના મહત્વના રણનીતિકાર રહ્યા હતા. સંઘમાંથી ભાજપમાં આવ્યા અને ત્યાર બાદ તેમણે પાછા વળીને જોયું ન હતું. 1994થી ગોવા વિધાનસભામાં ધારાસભ્ય અને ત્યાર બાદ સીએમ તરીકે કાર્યરત રહ્યા હતા.