ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત થયા બાદ સરકાર કાર સુરક્ષા નિયમોને લઈને કડક બની ગઈ છે. સરકાર હવે સીટ બેલ્ટ અને એરબેગને લગતા નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે સરકાર કાર ઉત્પાદકો માટે પાછળની સીટ બેલ્ટ એલાર્મ સિસ્ટમ ફરજિયાત બનાવવાની યોજના બનાવી રહી છે. હાલમાં, તમામ વાહન ઉત્પાદકો માટે ફક્ત આગળની સીટના મુસાફરો માટે સીટ બેલ્ટ ‘રિમાઇન્ડર્સ’ આપવાનું ફરજિયાત છે.
સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (CMVR) ના નિયમ 138(3) હેઠળ, પાછળની સીટ પર સીટ બેલ્ટ ન બાંધવા બદલ 1,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો કે, મોટાભાગના લોકોને ખબર નથી કે આ નિયમ ફરજિયાત છે. પાછળની સીટ પર બેઠેલા મુસાફરોના સીટ બેલ્ટ પહેરવા બદલ ટ્રાફિક પોલીસકર્મીઓ પણ દંડ વસૂલતા નથી.
8 સીટર કારમાં છ એરબેગ ફરજિયાત
કેન્દ્ર સરકાર ઓક્ટોબરથી ઓટો કંપનીઓ માટે આઠ સીટવાળા વાહનોમાં ઓછામાં ઓછી છ ‘એરબેગ્સ’ હોવી ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે. આ માહિતી આપતાં નીતિન ગડકરીએ કહ્યું કે આ પગલું વાહનોમાં મુસાફરોની સુરક્ષા માટે લેવામાં આવી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે કહ્યું હતું કે વાહન મુસાફરોની સુરક્ષા માટે, કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989 માં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વાહનોની સલામતી વધારી શકાય.