ગુજરાતના ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતો માટે રાજ્યની સરકારે મહત્વની જાહેરાત કરી છે. સરકાર ગુજરાતના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય કરશે. મોબાઈલની ખરીદ કિંમતમાં ખેડૂતોને 10% ની સહાય કરવામાં આવશે. તેમજ વધુમાં વધુ 1500 રૂપિયાની ખેડૂતોને સહાય કરવામાં આવશે. આ માટે ખેડૂતોએ ઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
કૃષિ વિભાગ દ્વારા આ ઠરાવ પાસ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના ખેડૂતોને હવે સ્માર્ટ અને ટેકનોલોજી સાથે જોડવાના પગલા રૂપે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી માટે સહાય આપવાની યોજના (government yojna)ને સરકારે મંજૂરી આપી છે. આ સહાય હેઠળ ખેડૂતોને તેમના ખરીદાયેલા સ્માર્ટ ફોનની કિંમતના 10 ટકા મળશે. અથવા તો 1500 રૂપિયા મળશે. આ યોજના માટે રાજ્ય સરકારે ખાસ 15 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
એટલે કે જો ખેડૂત દ્વારા 8 હજાર રૂપિયાનો સ્માર્ટ ફોન ખરીદવામાં આવે તો 800 રૂપિયાની સહાય મળશે પરંતુ 15 હજારથી વધુની કિંમતનો સ્માર્ટ ફોન ખરીદવામાં આવે તો મહત્તમ 1500 રૂપિયાની જ સહાય મળશે.
ચૂંટણી પહેલા ખેડૂતોને રીઝવવાનો ગુજરાત સરકારનો આ પ્રયાસ છે. ગુજરાતમાં અંદાજે 50 લાખ ખેડૂત ખાતેદારો નોંધાયા છે. જેમાંથી માત્ર 1 લાખ જેટલા ખેડૂતોન આ યોજનાનો લાભ મળી શકશે.