વૃધ્ધ મા-બાપની સેવાને સરકાર હવે કાયદેસર ફરજીયાત બનાવશે કોઇપણ આનાથી બચી નહી શકે. આને લઇ સરકાર ટુંક સમયમાં એવા કાયદામાં ધરખમ ફેરફારો કરવાની તૈયારીમાં છે. જેમાં વૃધ્ધ મા-બાપને સંપુર્ણ સંરક્ષણ આપવામાં આવશે જે હેઠળ જો કોઇપણ સંતાન તેમની સેવા ન કરે તો તેઓ તેની પાસેથી જીવનનિર્વાહ ભથ્થુ લઇ શકશે. જો કે અત્યારે પણ આના માટે કાનૂન છે પરંતુ તેઓને આ માટે પોલીસ અને કોર્ટના ચક્કર લગાવવા પડે છે. નવા નિયમો હેઠળ આવુ નહિ થાય. માતા-પિતા નોડલ અધિકારી પાસે એક ફરિયાદ નોંધાવી જીવનનિર્વાહ ભથ્થુ મેળવવાને હક્કદાર બની જશે. નોડલ અધિકારીની જોગવાઇ જુના કાયદામાં પણ છે પરંતુ અત્યારે તેમની પાસે માત્ર ફરિયાદ થઇ શકતી હતી. પરિવર્તન બાદ સંભવતઃ તેઓ તેનુ નિવારણ કરવામાં પણ સક્ષમ બની જશે અને વડીલો કોર્ટ-કચેરીના ચક્કરમાંથી બચી જશે. સામાજીક ન્યાય મંત્રાલય આ બાબતે ઝડપથી કામ કરી રહ્યુ છે. હાલમાં જ તમામ રાજયો અને મંત્રાલયો પાસે આ અંગે સુચનો માંગવામાં આવ્યા છે. વડીલ માતા-પિતાના ભરણપોષણને લઇને અત્યારે પણ સામાજીક ન્યાય મંત્રાલયનો એક કાયદો છે પરંતુ હવે તેમાં ફેરફારો કરી તેને સરળ બનાવવામાં આવી રહ્યો છે. સરકારી સ્તર પર પ્રયાસ છે કે તે તેની ગેરેંટી ખુદ લ્યે. આ માટે વધુને વધુ વૃધ્ધાશ્રમ ખોલવામાં આવે જયાં સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે ત્યાં ખાવા-પીવા રહેવાની સગવડતા હોય પરંતુ આ પહેલા સરકાર આ વૃધ્ધ માતા-પિતાના સંતાનોને પણ જવાબદાર બનાવવા ઇચ્છે છે. સેવા ન કરનાર સંતાન પાસેથી ભરણપોષણ માટે એક નિશ્ચિત રકમ વસુલવામાં આવી શકે છે જેનાથી તેઓ જીવન નિર્વાહ કરી શકશે. મંત્રાલયનું માનવુ છે કે વર્તમાન સમયમાં તેની પાસે સંખ્યાબંધ મામલાઓ આવે છે જેમાં સંતાનોએ માતા-પિતાના નામે સંપત્તિને વેચી તેમને ઘરમાંથી કાઢી મુકયા હોય. મંત્રાલયના અધિકારીઓનુ કહેવુ છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આવા મામલાની સંખ્યા વધી છે. આમ પણ અત્યારે દેશની કુલ વસ્તીના લગભગ ૧૧ ટકા વસ્તી વડીલોની છે. જે ર૦ર૬ સુધી વધીને લગભગ ૧૩ ટકા થઇ જશે. અત્રે એ નોંધનીય છે કે મધ્યપ્રદેશ અને આસામમાં માતા-પિતાની સેવા નહી કરતા સરકારી કર્મચારીના પગારમાંથી ૧૦ ટકા રકમ કાપવાનો કાયદો બનાવવામાં આવ્યો છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.