EPFOએ નાણાકીય વર્ષ 2024-25 માટે 8.25% વ્યાજ દરને મંજૂરી આપી
EPFO કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) માટે સકારાત્મક સમાચાર આવ્યા છે. નાણાં મંત્રાલયે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે. આ દર અગાઉના વર્ષ 2023-24 માટે નિર્ધારિત દર જેટલો જ છે, જેનું ધોરણ ચાલુ રાખવામાં આવ્યું છે.
આ નિર્ણયથી EPFOના લગભગ 7 કરોડથી વધુ સભ્યોને સીધો લાભ મળશે, જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતામાં હવે આ દરે વ્યાજ જમા કરવામાં આવશે. EPFOએ 28 ફેબ્રુઆરી, 2025ના રોજ દિલ્હીમાં મળેલી 237મી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની બેઠકમાં આ દર મંજૂર કર્યો હતો, જેના અધ્યક્ષ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા હતા.
વિતેલા વર્ષોની સરખામણીમાં EPF વ્યાજ દરનો ટ્રેન્ડ
ગત કેટલાક વર્ષોથી EPFના વ્યાજ દરમાં થોડી અસ્થિરતા જોવા મળી છે. વર્ષ 2021-22 માટે આ દર 8.1% રાખવામાં આવ્યો હતો, જે ચાર દાયકાથી વધુ સમયની સૌથી નીચી સપાટી હતી. બાદમાં 2022-23 માટે આ દર 8.15% અને 2023-24 માટે 8.25% કરવામાં આવ્યો હતો. EPFO દ્વારા વ્યાજ દરને ફરી 8.25% જાળવી રાખવાનો નિર્ણય કર્મચારીઓ માટે સ્થિરતા અને વિશ્વાસનો સંકેત આપે છે.
શ્રમ મંત્રાલય તરફથી પુષ્ટિ
શ્રમ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “EPF પર 8.25 ટકા વ્યાજ દરના નક્કી કરાયેલા દરને નાણાં મંત્રાલયે મંજૂરી આપી દીધી છે અને હવે EPFOને આ અંગે અધિકૃત રીતે જાણ કરી દેવામાં આવી છે.”
આ મંજૂરી બાદ EPFO હવે પોતાના સભ્યોના ખાતામાં આ દરે વ્યાજ જમા કરાવવાની પ્રક્રિયા શરૂ કરશે. સામાન્ય રીતે આ વ્યાજ દર વર્ષના અંતમાં સભ્યોના ખાતામાં આવતી કાલમેળે જમા થાય છે.