સરકારે સોમવારે એરોગ્ય સેતુ એપ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાની પ્રક્રિયા અંગેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. આમાં આ એપ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાને 6 મહિનાથી વધુ સ્ટોર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અમુક નિયમોના ભંગ બદલ જેલની જોગવાઈ કરવામાં આવી છે. આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાની સુરક્ષાને લઈને ઘણા પક્ષો દ્વારા ચિંતા કરવામાં આવી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને, સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ગાઇડલાઇનમાં એક વિકલ્પ પણ આપવામાં આવ્યો છે કે કોઈપણ વ્યક્તિ એપમાંથી પોતાના ડેટા હટાવવા માટે અરજી કરી શકે છે અને આ રીતે આવેદન મળ્યાના 30 દિવસની અંદર આરોગ્ય સેતુ એપથી આવેદક ડેટાને હટાવી દેવામાં આવશે.
જો કે, વરિષ્ઠ સરકારી અધિકારીઓ ખાતરી આપી રહ્યા છે કે ગોપનીયતા સુરક્ષા એ આરોગ્ય સેતુ એપ્લિકેશનનું એક મહત્વપૂર્ણ પાસું છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના સચિવ અજય પ્રકાશ સાહનીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ડેટા સુરક્ષિત કરવા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે. લોકોની વ્યક્તિગત માહિતીના દુરૂપયોગથી બચાવવા માટે એક સારી ગોપનીયતા નીતિ લાવવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં ડેટા પ્રાઈવસીને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. હોટસ્પોટ વિસ્તારને ઓળખવા માટે અમે આ એપ્લિકેશનથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ કરીએ છીએ. આ એપ્લિકેશન કોઇ કોરોના સંક્રમણ ગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવા પર યૂઝર્સને એલર્ટ કરે છે.