GST કાઉન્સિલની બેઠક (GST Council Meeting)ની આગામી બેઠકમાં મોટા નિર્ણયો થઈ શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, આવક વધારવા માટે કેન્દ્ર સરકારે (Government of India) GSTથી મુક્ત માલ અને સેવાઓ પર પણ ટેક્સ લાદવાનો સંકેત આપ્યો છે. કેન્દ્ર સરકારે (Government) રાજ્યોને પત્ર લખીને GST વસુલાત વધારવા અને કરચોરી અટકાવવા સૂચનો માંગ્યા છે. ઉલ્લેખનિય છે કે, ત્રણ મહિના બાદ નવેમ્બરમાં જીએસટી કલેક્શન (GST Collection) 1 લાખ કરોડને પાર પહોંચી ગયું છે.
આગામી GST કાઉન્સિલની બેઠકમાં થશે નિર્ણય
જીએસટી કાઉન્સિલની બેઠક 15 ડિસેમ્બર પછી સૂચિત છે. જો સૂત્રોનું માનવું હોય તો સરકાર GSTમાંથી મુક્તિ અપાયેલી ચીજો અને સેવાઓની સમીક્ષા કરશે. ઝીરો ટકાના સ્લેબમાં અનબ્રાંડેડ અનાજ, તાજા માંસ અને દૂધ જેવી વસ્તુઓની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરવાળા ઉત્પાદનોની વિસંગતતાઓ દૂર કરવામાં આવશે. જીએસટી કલેક્શન વધારવા અને કરચોરી રોકવાના પગલાઓની પણ સમીક્ષા કરવામાં આવશે. સરકારની સૌથી મોટી સમસ્યા જીએસટીથી ઘટેલી કમાણીની છે. આજ કારણોસર સરકાર મોટા પગલા ભરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને મહેસૂલ વધારવા સૂચનો માંગ્યા છે. રાજ્યના અધિકારીઓએ 6 ડિસેમ્બર સુધીમાં સૂચનો આપવાના રહેશે.
3 મહિના બાદ નવેમ્બરમાં પ્રથમવાર GST કલેક્શન 1 લાખ કરોડ થયું
નાણાં મંત્રાલયે જાહેર કરેલા ડેટા પ્રમાણે નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન વધીને રૂ. 1,03,492 કરોડ થઈ ગયું છે. જે ઓક્ટોબર મહિના કરતા 8 હજાર કરોડ વધારે છે. ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 95,380 કરોડ રૂપિયા રહ્યું હતું. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર નવેમ્બરમાં CGST રૂ.19,592 કરોડ, SGST રૂ.27,144 કરોડ. IGST, 49,028 કરોડ (આયાતમાંથી મળેલા રૂ.20,948 કરોડ સહિત) પ્રાપ્ત થયા છે. આ સમયગાળા દરમિયાન સરકારને સેસથી રૂ .7727 કરોડ પ્રાપ્ત કર્યા છે, જેમાંથી 869 કરોડ રૂપિયા આયાતથી પ્રાપ્ત થયા છે. નવેમ્બરમાં જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાને પાર થવું સરકાર માટે રાહતની બાબત છે. ઘણા કાપ છતાં જીએસટી કલેક્શન સતત ત્રણ મહિનાથી 1 લાખ કરોડ રૂપિયાથી નીચે ચાલી રહ્યું હતું. ઓગસ્ટમાં તે 98,202 કરોડ રૂપિયા, ઓક્ટોબરમાં 95,380 કરોડ અને સપ્ટેમ્બરમાં 91,916 કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું.