નાણાંમંત્રીની મુખ્ય જાહેરાતો
- 10-13 લોકોની ક્ષમતાવાળા પેટ્રોલના વાહનો પર કમ્પેનસેશન સેસમાં 3 ટકા ઘટાડો, અત્યારે આ રેટ 15 ટકા છે
- આઉટડોર કેટરિંગ પર GST 18 ટકાથી ઘટીને 5 ટકા
- ડિફેન્સના ઉપકરણોના આયાત પર GSTમાંથી 2024 સુધી છૂટ મળશે
- રેલવે વેગન અને કોચ પર GST 5 ટકાથી વધારીને 12 ટકા
- પોલીથીન બેગ પર 12 ટકા GST લાગશે
- ઓછી કિંમત વાળા સ્ટોનની પોલિશ અને કટિંગ પર GST ઘટાડવાનો નિર્ણય
- સ્લાઇડ ફાસ્ટનર્સ (પેન્ટ, બેગમાં વપરાતી ચેન/ઝીપ) પર GST 18 ટકાથી ઘટાડીને 12 ટકા
દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકાર ધડાધડ એક પછી એક નિર્ણયો લઇ રહી છે. આજે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા બાદ હવે GST કાઉન્સિલની બેઠકમાં પણ બે અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે કાઉન્સિલે રૂ.7500થી ઓછા હોટલ રૂમના ભાડા પર 12 ટકા GSTની મંજૂરી આપી છે. તે સિવાય 7500થી વધારેના ભાડા પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. નાણાંમંત્રીના જણાવ્યા પ્રમાણે રૂ. 1000 સુધીના ભાડા પર કોઇ GST નહીં લાગે.કેફીન વાળા પીણા પર જીએસટી વધારવાની ભલામણ સ્વીકારવામાં આવી છે.તેમાં 18 ટકામાંથી 12 ટકા સેસ સાથે 28 ટકા દર લાગૂ કરવાની મંજૂરી કાઉન્સિલે આપી છે. સુરતમાં હીરાઉદ્યોગથી જોડાયેલા મિત્રો માટે પણ સારા સમાચાર છે. હીરાની કામગીરી(જોબવર્ક) પર GST 5 ટકામાંથી ઘટાડીને 1.5 ટકા કરવામાં આવ્યો છે.
આઉટડોર કેટરિંગ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિના 5 ટકા GST રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોટરી ટિકિટ પર એક દર રાખવાનો નિર્ણય ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ પાસે વિચારણા માટે મોકલવામાં આવ્યો છે. નાણાંમંત્રીએ જણાવ્યું કે મરીન ઇંધણ પર 18 ટકામાંથી 5 ટકા અને ઓછા કિંમતી રત્નો પર 3 ટકાથી ઘટાડીને 0.25 ટકા જીએસટી કરવામાં આવ્યો છે. પોલીપ્રોપેલીન અને પોલીઇથીલીન પર 12 ટકા જ્યારે રેલવે વેગન અને કોચ પર 5 ટકાથી વધારીને 12 ટકા જીએસટી કરવામાં આવ્યો છે.
વિદેશથી આયાત થતા ડિફેન્સના ઉપકરણો પર 2024 સુધી GST/IGSTમાંથી છૂટ આપવામાં આવી છે. અન્ડર 17 મહિલા વર્લ્ડકપને ધ્યાનામાં રાખીને ફુટબોલ બોડી ફીફા અને ખાસ લોકોને મોકલવામાં આવતી ચીજો અને સેવાઓને પણ જીએસટીમાંથી છૂટ આપવામાં આવી છે.