અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની દયનીય પરિસ્થિતિ અંગે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી દાખલ થઈ હતી. જેના પગલે સુનાવણી ચાલી રહી છે. ગત સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગુજરાત સરકારે સોગંદનામું રજુ કરવાનું કહ્યું હતું. આ સુનાવણીમાં પણ હાઇકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલ કર્યા છે. રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત, હૉસ્પિટલોમાં બેડની સ્થિતિ, આરટી-પીસીઆર ટેસ્ટ મામલે હાઇકોર્ટે સરકારને સવાલો કર્યા હતા. ગુજરાત સરકાર વતી હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દલીલો રજૂ કરી રહ્યા છે. સુનાવણી દરમિયાન કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાની સુનામી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા કહ્યુ હતુ કે, તમે પોઝિટિવ દર્દીના જે આંકડા રજૂ કરો છો તે ખોટાં છે, બાકી ઇન્જેક્શનની અછાત ન થાય.
હાઇકોર્ટે કહ્યું હતું કે, બેડ, ઇન્જેક્શન, ઑક્સિજન અંગે પહેલાથી તૈયારી કરવામાં આવી હોત તો પરિસ્થિતિ આજે અલગ હોત. એવું કોઈ નથી કહેતું કે તમારો ઈરાદો ખરાબ હતો, વાત હાલની પરિસ્થિતિની છે. પ્રેસ પણ એવું નથી કહેતું. રેમડેસીવીર લઈ લેશે તો અમૃત લીધું હોય એમ લોકો બચી જશે તે પ્રકારની વાત ચાલી હોય તો ઇન્જેક્શન બાબતે તમારે ઓપન લેટર જાહેર કરવો જોઈએ અને રેમડેસીવીરથી શરીરમાં થતી આડઅસરો વિશે પણ જાણ કરવી જોઈએ.
એચસીએ વધુમાં જણાવ્યું હતું કે, GMDCમાં શરૂ કરવામાં આવેલી ડ્રાઇવ થ્રુ કરવામાં આવી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કેવી વ્યવસ્થા છે તેમાં હાઇકોર્ટેને રસ છે. મોટા ટાઉન અને તાલુકામાં આરટી-પીસીઆરની શું સગવડ છે, અમને તેમમાં રસ છે. ડાંગમાં ટેસ્ટિંગને લઈને કોઈ જ વ્યવસ્થા નથી. અમારું ફોક્સ આખા ગુજરાત માટે છે, માત્ર અમદાવાદ જ નહીં. આરટીપીસીઆર ટેસ્ટ બધા જ જિલ્લાઓમાં થાય છે કે નહીં તેની ચકાસણી કરો.
હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો
રેમડેસિવિર ઇન્જેક્શન અને કોરોનાના આંકડા અંગે હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. હાઇકોર્ટના કહેવા પ્રમાણે સરકાર પોઝિટિવ દર્દીના જે આંકડા આવી રહી છે તે ખોટાં હોવાનું લાગી રહ્યું છે. આંકડા સાચા હોય તો ઇન્જેક્શનની અછત ઊભી ન થાય. હાઇકોર્ટે સરકારને ખખડાવીને કહ્યું હતું કે, તમે કહો છો તેમ દરરોજ 7,000 કેસ આવે છે. જેમાંથી પાંચ હજારને દાખલ કરવામાં આવે છે. બે હજાર લોકોની ઘરે સારવાર ચાલે છે. જેમને ઇન્જેક્શનની જરૂર નથી પડવાની. તો શા માટે ઇન્જેક્શનની અછત ઊભી થાય છે? આ માનવામાં આવે તેવું નથી.
કોરોનાની કથળેલી સ્થિતિ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે લીધેલી સુઓમોટો મામલે રાજ્ય સરકારને કોર્ટમાં સોગંદનામું કર્યું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ 61 પાનાનું સોગંદનામું રજુ કર્યું છે. આ સોગંધનામામાં રાજ્યમાં બેડની અછત નહીં સર્જાતી હોવાનો રાજય સરકારે દાવો કર્યો છે.
સરકારનું કહેવું છે કે, રાજ્ય દર્દી માટે પૂરતા બેડ ઉપલબ્ધ છે. અમદાવાદની 142 હોસ્પિટલમાં 6,283 બેડ ઉપલબ્ધ હોવાનો સરકારે દાવો કર્યો છે. ખાનગી ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં 20% રિઝર્વ કરેલા બેડના પૈસા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂકવશે. આ સિવાય અમદાવાદમાં 900 બેડની ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ 2 અઠવાડિયામાં ઉભી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. મોરબીમાં સાડા 550 બેડની બે કોવિડ હૉસ્પિટલ ઊભી કરવાનું જણાવ્યું છે.
સરકારે સોગંજનામામાં જણાવ્યું છે કે, નાઈટ curfew,સ્વયંભૂ બંધ માટેની અપીલ, 50% સ્ટાફ સાથે કામગીરીના નિર્ણય લેવામાં આવ્યા છે. લગ્ન અને મૃત્યુના કિસ્સામાં 50 લોકોની સંખ્યાનો નિર્ણય અને મેળાવડા ઉપર પ્રતિબંધના નિર્ણયની પણ કોર્ટને જાણ કરાઈ છે. રાજ્ય સરકારના સોગંદનામામાં વિકેન્ડ કર્ફ્યૂ લાદવાનો કે પછી સંપૂર્ણ લૉકડાઉન માટે રાજ્ય સરકારની કોઇ વિચારણા ન હોવાનું જણાવ્યું છે.