મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદને લાહોરની પાકિસ્તાનના જ્યુડિશિયલ બોર્ડે મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.. ગુરુવારે સવારે જેલમાંથી મુક્ત થતાં જ તેણે કાશ્મીરની આઝાદીની વાત કરી હતી. હાફિઝે કહ્યું ગમે તે ભોગે કાશ્મીરને આઝાદ કરાવીને જ રહીશ. હાફિઝને જાન્યુઆરીમાં પકડવામાં આવ્યો હતો. હાફિઝની મુક્તિથી ભારતમાં 2008માં થયેલા આતંકી હુમલાના મામલે ન્યાયની કોશિશને ફટકો લાગ્યો છે. આ આતંકી હુમલામાં 166 મુંબઈવાસીઓનાં મોત નિપજ્યા હતાં.
મુક્તિની જાણ થતાં જ હાફિઝ સઈદે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું અને કાશ્મીરની સ્વતંત્રતાનો રાગ છેડ્યો હતો. તેણે કહ્યું હતું કે મારી મુક્તિ સત્યનો વિજય છે અને ભારત માટે આંચકો છે, ભારતની તમામ કોશિશો છતાં મને મુક્ત કરી દેવામાં આવ્યો છે, આ માત્ર મારા નહીં પણ સમગ્ર પાકિસ્તાનનો કેસ હતો. ભારતને એ વાતનો અફસોસ હશે. કારણકે પાકિસ્તાન એક આઝાદ વિસ્તાર છે તે સાબિત થઈ ગયું. હું કહેવા માંગુ છું કે, ભારત ન તો મને અને ન તો કાશ્મીરને કોઈ નુકસાન પહોંચાડી શકે છે. અમે જલ્દી કાશ્મીરને આઝાદ કરાવી લઈશું.
આતંકવાદી સંગઠન લશ્કરે તોઈબાનો વડો હાફિઝ સઈદ 31 જાન્યુઆરી પછી નજર કેદમાંથી પ્રથમવાર બહાર આવશે. તે 10 મહિના સુધી તેના ઘરમાં જ નજરકેદ હતો. પંજાબ સરકારે તેની નજરકેદમાં ત્રણ મહિનાનો વધારો કરવાની દાદ માગી હતી પરંતુ કોર્ટે આ રજૂઆત ફગાવી દીધી હતી.