ઉત્તર પ્રદેશના હાથરસ અને બલરામપુરમાં બનેલી ગેંગરેપની ઘટનાઓની નોંધ સંયુક્ત રાષ્ટ્રસંઘે લીધી હતી અને ભારતમાં મહિલાઓ સુરક્ષિત નથી કે એવો સવાલ કરાયો હતો. યુનોના કાયમી રેસિડેન્શ્યલ કો-ઓર્ડિનેટર રેનાટા ડેસાલિયેને કહ્યું હતું કે, હાથરસ અને બલરામપુરની ઘટનાઓ દર્શાવે છે કે સમાજમાં આજે પણ વંચિત વર્ગના લોકો પર લિંગ આધારિત હિંસા અને અપરાધો સહન કરવા પડે છે.યુનોની મહિલા પ્રતિનિધિ રેનાટાએ કરેલી આ ટકોરની ભારત સરકારે ગંભીર નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, કોઇ પણ બહારની સંસ્થાની ટકોરને નજરઅંદાજ કરવી ઘટે. ભારત સરકાર આ ઘટનાઓને ગંભીરતાથી લઇ રહી હતી.
બહારની કોઇ એજન્સીએ આ વિશે ટકોર કરવાની જરૂર નથી. રેનાટાએ કહ્યું હતું કે, સંબંધિત પરિવારને સત્વરે ન્યાય મળે અને આરોપીઓને ત્વરિત ન્યાયમંદિરના પિંજરામાં ઊભા કરવામાં આવે એ જરૂરી હતું. ભારતમાં મહિલાઓ અને બાળકીઓ પર થઇ રહેલા જાતીય અત્યાચારોની ઘટનાઓથી યુનો વ્યથિત અને ચિંતિત છે. આ પરિવારોને સામાજિક સમર્થન, કાઉન્સેલિંગ, સ્વાસ્થ્ય સુવિધા અને પુનર્વસવાટની સુવિધાઓ આપવી ઘટે છે. પાટનગર નવી દિલ્હીમાં વિદેશ ખાતાના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે રેનાટાની આ ટકોરને ગેરવાજબી ગણાવી હતી અને કહ્યું હતું કે, યુનોના રેસિડેન્શ્યલ કો-ઓર્ડિનેટરને ખ્યાલ હોવો જોઇએ કે ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને જરૂરી પગલાં લેવાઇ રહ્યાં હતાં.