મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આગામી કેટલાક દિવસો સુધી આકાશમાંથી વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે આગામી શુક્રવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે પોતાની 5 દિવસની આગાહીમાં જણાવ્યુ છે કે શુક્રવાર સુધી મુંબઈ અને થાણેમાં ભારે વરસાદ પડી શકે છે. પરિસ્થિતિને જોતા NDRFની ટીમો ઘણી જગ્યાએ તૈનાત કરવામાં આવી છે. નવનિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વહીવટીતંત્રને સતર્ક રહેવા અને સાવચેતીનાં પગલાં લેવા સૂચના આપી છે. નદીઓના પાણીના સ્તર પર પણ નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
સોમવારે સાંજે મુંબઈમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. TOI મુજબ, સવારે 8.30 થી 8.30 વાગ્યા સુધી, કોલાબા ઓબ્ઝર્વેટરીમાં 66.4 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે સાંતાક્રુઝમાં 40.4 મીમી વરસાદ નોંધાયો હતો. નજીકના થાણે અને નવી મુંબઈમાં પણ થોડો સમય ભારે વરસાદ પડ્યો હતો. રાત્રે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. સવારે લોકો જાગ્યા ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.
આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની આગાહી અને નદીઓની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અધિકારીઓને ચેતવણી આપી છે. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીએ રાયગઢ અને રત્નાગીરી જિલ્લાના કલેક્ટરને પણ સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા NDRFની ટીમો ઘણા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. મુંબઈ ઉપરાંત નાગપુર, ચિપલુણ, રત્નાગીરી, મહાડ અને રાયગઢમાં પણ NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.