હાલ રાજ્યભરમાં ભારે વરસાદના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં પણ આજે વહેલી સવારથી મેઘરાજા આફરિન થયો હતો.
રાજકોટમાં ભારે વરસાદને કારણે રાજકોટનાં જામકંડોરણા વિસ્તારમાં રામપરની નદીમાં એક કાર તણાઇ હતી. આ કારમાં બેથી ત્રણ મહિલા હોવાની આશંકા સેવાઇ રહી છે. કાર હજી પાણીમાં ગરકાવ છે. કારમાંથી ભુપતભાઇ મારકણા નામના વ્યક્તિનો સ્થાનિકોએ જીવ બચાવી લીધો છે. ભુપતભાઇને 108માં જામકંડોરણા સારવાર માટે ખસેડાયા છે. વંથલીનો પાટીદાર પરિવાર હોવાનું જાણવા મળ્યું છે. આ વંથલીનો પાટીદાર પરિવાર જશાપર ગામે લગ્નપ્રસંગમાં પરિવાર જતો હતો.
ભારે વરસાદને કારણે ભાદર ડેમ 2નાં દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓને સતર્ક કરી દેવામાં આવ્યાં છે. રાજકોટ ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક યથાવત રહેતા આજી 1, આજી 2, ન્યારી 1 અને ન્યારી 2 ડેમ ફરીવાર ઓવરફ્લો થયા છે.
લાલપરી તળાવ પણ છલોછલ ભરાયું છે. સતત વરસાદનાં કારણે ખેડૂતોનાં ખેતરોમાં પાણી ભરાતા તેમના જીવ અધ્ધર થઇ ગયા છે. આગોતરું વાવેતર કરનાર ખેડૂતો માટે હાલનો વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે.