નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં કેન્દ્ર સરકાર, આમ આદમી પાર્ટી સરકાર અને મ્યુનિસિપલ સંસ્થાઓને લોકડાઉન દરમિયાન રખડતા પશુઓને ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવાની વિનંતી કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રાણીઓ ખોરાક પર આધાર રાખે છે જે કચરો, રેસ્ટોરાં, કેન્ટિન્સ અને બજારોમાં બચી ગયો હોય છે, પરંતુ કોરોના વાયરસના રોગચાળાને લીધે તે બધા રેસ્ટોરાં, કેન્ટિન્સ અને બજારો બંધ થઈ ગયા છે.
પિટિશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ખાવાનું પૂરું પાડતા લોકો પણ લોકડાઉનને કારણે ઘરોમાંથી બહાર નીકળી શકતા નથી. આને કારણે, આ પ્રાણીઓ ભૂખે મરતા હોય છે. ગરીબ અને જરૂરીયાતમંદોને ખોરાક પૂરા પાડવા માટે સરકાર પૂરતા પગલા લઈ રહી છે, પરંતુ આ પ્રાણીઓ માટે કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી.
પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો આ સંદર્ભે કોઈ પગલા લેવામાં નહીં આવે તો ઘણા રખડતાં પ્રાણીઓ ભૂખથી મરી શકે છે અને સફાઈ કામદારોની મર્યાદિત સંખ્યાને કારણે તે બીજો રોગચાળો ફેલાવી શકે છે. આ સિવાય વિપરીત પરિસ્થિતિઓ ઉભી થશે જ્યારે રખડતા કુતરાઓ ખોરાકની શોધમાં અન્ય વિસ્તારોમાં જશે અને મનુષ્ય પ્રત્યે આક્રમક વર્તન બતાવશે. ”
નોંધનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચથી 14 એપ્રિલ સુધી પ્રથમ વખત દેશમાં લોકડાઉનનો અમલ કરવાની જાહેરાત કરી હતી. આ લોકડાઉનનો સમયગાળો 3 મે સુધી લંબાવાયો છે.