ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાની તપાસ હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા કરાવવાની પંજાબ સરકારની માંગને ફગાવી દેવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું કે આ અંગે કોર્ટ દ્વારા રાજ્ય સરકારને પત્ર મોકલવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પત્રમાં હાઈકોર્ટ પ્રશાસને સરકારને કહ્યું છે કે તે પોતાના એક જજને તપાસ માટે ન આપી શકે. નોંધપાત્ર વાત એ છે કે હાઈકોર્ટમાં જજોની 38 જગ્યાઓ ખાલી છે, જ્યારે ત્યાં લગભગ 4.50 લાખ કેસ પેન્ડિંગ છે. આ અંગે રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.
પંજાબના માનસા જિલ્લામાં 29 મેના રોજ અજાણ્યા હુમલાખોરો દ્વારા મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુસેવાલાના પિતા બલકૌર સિંહની માંગને પગલે પંજાબ સરકારે સોમવારે હાઇકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં ન્યાયિક પંચની રચના કરવાની જાહેરાત કરી હતી. 30 મેના રોજ પંજાબના મુખ્ય સચિવ (ગૃહ) અનુરાગ વર્માએ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પત્ર લખ્યો હતો.
આ પત્ર પંજાબના પ્રિન્સિપલ સેક્રેટરીએ લખ્યો હતો
પત્રમાં કહેવામાં આવ્યું છે કે સરકાર આ ગંભીર ઘટના અંગે ખૂબ જ ચિંતિત છે અને આ જઘન્ય અપરાધના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા માટે હત્યાના કારણોના મૂળ સુધી પહોંચવા માંગે છે. અનુરાગ વર્માએ કહ્યું હતું કે ‘મને સીટિંગ જજની અધ્યક્ષતામાં આ મામલે તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. પંજાબના માનનીય મુખ્યમંત્રીની વિનંતીને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ સુધી પહોંચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
કેન્દ્રીય એજન્સીઓ પાસેથી તપાસની માંગ
મુસેવાલાના પરિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને પ્રખ્યાત પંજાબી ગાયકની ઘાતકી હત્યાની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસની માંગ કરી છે. મુખ્ય પ્રધાન ભગવંત માન શુક્રવારે માણસામાં મુસેવાલાના ઘરે ગયા હતા અને સ્વર્ગસ્થ ગાયકના પરિવારને ખાતરી આપી હતી કે તેમના હત્યારાઓ ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ હશે.