23 મેંનાં રોજ ચૂંટણી પરિણામો આવ્યા બાદ ફરી એક વખત મોંઘવારી વધી શકે છે. તેવામાં મોંઘવારીની અસર તમારા રસોડા પર જોવા મળશે. શાકભાજીથી લઇને દૂધનાં ભાવ પર તેની અસર જોવા મળશે. તેવામાં જો ક્રૂડ ઓઇલનાં ભાવોમાં વૃદ્ધિ થાય તો ડિઝલ-પેટ્રોલનાં ભાવો પણ વધશે તે નક્કી છે.
નવી સરકાર માટે થશે મુસીબત
મોંઘવારીને કાબૂમાં રાખવી તે નવી સરકાર માટે પડકારજનક બની રહેશે. દેશનાં પશ્ચિમ અને દક્ષિણનાં રાજ્યોમાં ભીષણ દુષ્કાળની લપેટામાં છે. તેમજ ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ ચાલું છે. વર્તમાનમાં અનેક વસ્તુઓ એવી છે, જેની કિંમતોમાં પાછલા વર્ષની તુલનાએ આજે પણ ભાવ વધારો જોવા મળે છે.
આ વસ્તુઓનાં ભાવ વધ્યા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દેશભરમાં જુવાર,બાજરો,કપાસ,ટમેટા, અને ડુંગળીની કિંમતોમાં વધારો થયો છે. આ સિવાય પશુઓને ખવળાવવામાં આવતો ઘાસચારો પણ ઘણો મોંઘો થયો છે. તેનાથી દૂધનાં ભાવો પણ વધી રહ્યા છે. આવું એટલા માટે થાય છે,કારણ કે ખેડૂતોએ પોતાનાં પશુઓને ચારો ખવળાવવાનું ઓછું કર્યુ છે.
અમૂલ બ્રાન્ડનાં નામે દૂધ વેચતી કંપની ગુજરાત કો-ઓપરેટીલ મીલ્ક માર્કેટીંગ ફેડરેશનનાં પ્રબંધ નિર્દેશક આર.એસ.સોઢીએ જણાંવ્યું છે કે તેનાં કારણે ઉત્પાદન ઘટ્યું છે. જો કે ગરમીઓમાં પશુઓ પણ ઓછું દૂધ આપે છે.તેવામાં એપ્રિલથી લઇને જુલાઇ સુધી દૂધનું ઉત્પાદન આમ પણ ઓછું થઇ જાય છે.
શાકભાજીનાં ભાવમાં તોતિંગ વધારો
વર્તમાનમાં ગરમીની શરૂઆતથી જ શાકભાજીની કિંમતોમાં ઉછાળો જોવા મળે છે. તાજેતરમાં જ શાકભાજી દેશનાં કોઇ પણ માર્કેટીંગ યાર્ડમાં જથ્થાબંધ ભાવે 25-30 રૂપિયા કિલોથી ઓછી મળતી નથી. માત્ર બટાકાનાં ભાવ સસ્તા છે.
છ મહિનામાં એપ્રિલમાં મોંઘવારી દર સૌથી ઉંચો
એપ્રિલમાં છૂટક ફુગાવો વધ્યો છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે, ગ્રાહક ભાવ સૂચકાંક (સીપીઆઇ) આધારિત ફુગાવો ગયા મહિને 2.92 ટકા વધ્યો હતો. આ આંકડો માર્ચમાં 2.86 ટકા અને એપ્રિલ 2018 માં 4.58 ટકા હતો.
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર ખાદ્ય બાસ્કેટમાં ફુગાવો એપ્રિલમાં 1.1 ટકા હતો, જે માર્ચમાં 0.3 ટકા હતો. રિઝર્વ બેન્ક તેની નાણાકીય નીતિ નક્કી કરતી વખતે છૂટક ફુગાવો ડેટાને ધ્યાનમાં રાખે છે.