ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં એક યુવક શાકભાજી અને કરિયાણાનો સામાન લેવા ઘરેથી નિકળ્યો હતો, પરંતુ જ્યારે તે પરત ફર્યો તો શાકભાજીની જગ્યાએ દુલ્હન લઈ આવ્યો એટલે કે શાકભાજી લેવા ગયેલો યુવક લગ્ન કરીને પરત ફર્યો હતો. આ વિચિત્ર ઘટના ગાજિયાબાદ જિલ્લાના સાહિબાબાદની છે. લોકડાઉનમાં અચાનક દિકરો લગ્ન કરીને આવતા પરિવારને બહુ મોટો આઘાત લાગ્યો. યુવક પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને આવ્યો હતો. યુવકની માતાએ તો યુવક અને જેને લગ્ન કરીને સાથે લાવ્યો હતો તે યુવતિ, બંનેને ઘરમાં પ્રવેશ આપવાની ચોખ્ખી ના પાડી દીધી. ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો.
દુલ્હનના કપડામાં રહેલી યુવતિ અને યુવક બંને પોલીસ સ્ટેશનામાં હતા, તેટલામાં યુવકની માતા ત્યાં આવી અને પોલીસને કહ્યું કે લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા દિકરાને હું ઘરમાં પ્રવેશ નહીં આપું. સામાન લેવા મોકલ્યો હતો અને છોકરી લઇને આવ્યો. યુવકની માતા ના માનવાના કારણે વર્તમાન સમયે પોલીસે બંનેને અલગથી ભાડાના મકાનમાં રહેવાનું કહ્યું છે. આ યુવક અને તેનો પરિવાર સાહિબાબાદના શ્યામ પાર્ક વિસ્તારમાં રહે છે. યુવકે જણાવ્યું કે બંનેએ એક મંદિરમાં લગ્ન કર્યા છે. ઉપરાંત એક મહિના પહેલા પણ હરિદ્ધારમાં લગ્ન કર્યા હતા. તો યુવકની માતા કહે છે કે આમ અચાનક આવેલી કોઇ અજાણી યુવતિને હું ઘરમાં નહીં રાખુ. આ બંનેએ લગ્ન કર્યા છે કે નહીં તે વાતનું પણ કોઇ સબૂત નથી.