જયપુર : રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે રાજ્યની સરહદો ફરી એકવાર સીલ થઈ ગઈ છે. રાજસ્થાન સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભે આદેશો જારી કર્યા છે. સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યની સરહદો સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને રાજસ્થાનની બહાર જવું છે, તેણે પાસ લેવાની જરૂર રહેશે.
નોંધનીય છે કે, રાજસ્થાનની બોર્ડર સીલ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે રાજસ્થાનને જોડતી તમામ આંતરરાજ્ય બોર્ડરો ફરી એકવાર સીલ કરી દેવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી 5 બોર્ડર સીલ કરવામાં આવી છે. જોકે, રાજસ્થાનમાં માલવાહક અને પાસ ધારકો સિવાયના તમામ વાહનોની અવર – જવર પર પ્રતિબંધ મૂક્યો છે.
રાજસ્થાનની સીમાઓને સીલ કરવાનો હુકમ એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકારને પછાડવાની કોશિશનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રાજ્યમાં કોંગ્રેસની સરકારને નીચે લાવવાનું કાવતરું ઘડી રહી છે.
હાલમાં રાજસ્થાનની સરહદ સીલ કરવાનો આદેશ એવા સમયે આવ્યો છે. જયારે ધારાસભ્યોને રાજ્યની બહાર જતા અટકાવવા રાજસ્થાન સરહદ પર નિયંત્રણ રાખવા ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. રાજ્યની સરહદ પર પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. તેમજ હાઈવે પર ખાસ નાકાબંધી ચાલી રહી છે. એડીજી લો એન્ડ ઓર્ડર સૌરભ શ્રીવાસ્તવે સરહદ પર અંકુશ રાખવા માટેનો આદેશ જારી કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્યોને હોટલમાં રાખવામાં આવે તે આવ્યા તે પહેલાં જ રાજસ્થાન પોલીસે બોર્ડર કંટ્રોલનો આદેશ આપ્યો હતો.