કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં ધર ખરીદનારા લોકો માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં મોટી રાહત આપી છે. પાછલા કેટલાક દિવસોથી ઘર કે મકાન ખરીદનારા લોકોને રાહત આપવાનાં સંકેત મળી રહ્યા હતા. સરકારે સંકેત આપ્યા હતા કે GST કાઉન્સીલની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. આજે મળેલી મીટીંગમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.
રવિવારે GST કાઉન્સીલની મીટીંગ મળી હતી જેમાં કાઉન્સીલે નિર્માણાધીન( અંડર કન્સ્ટ્રક્શન) પ્રોજેક્ટના મકાનોના GST રેટને 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે. આ ઉપરાંત સસ્તા ઘરોના GST રેટમાં પણ રાહત આપવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. સસ્તા ઘરોના GST રેટને આઠ ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે.
નાણા મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે સસ્તા મકાનોના GST રેટમાં કોઈ પણ પ્રકારના ટેક્સ ઈનપૂટ ક્રેડિટને આઠ ટકાથી ઘટાડીને એક ટકા કરી દેવામાં આવ્યા છે. આના સિવાય સિમેન્ટના રેટમાં પણ ઘટાડા તથા લોટરીના રેટને પણ એક સમાન રાખવા ચર્ચા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે પાછલા બુધવારે જીએસટી કાઉન્સીલની મીટીંગમાં આ અંગેનો નિર્ણય મોકુફ રાખવામાં આવ્યો હતો. નાણા મંત્રીએ કહ્યું હતું કે જીએસટી કાઉન્સીલ રવિવારે રિએલ એસ્ટેટ મુદ્દે ચર્ચા કરશે અને કાઉન્સીલે 3-બી રિટર્ન્સ દાખલ કરવાની અંતિમ તારીખને બે દિવસ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે રિએલ એસ્ટેટ સેક્ટર માટે પાછલા કેટલાક સમયથી મંદી ચાલી રહી છે. સરકારે જીએસટીમાં રાહત આપવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં રિઅલ એસ્ટેટ સેક્ટરને લઈ મંત્રીઓનું ગ્રુપ બનાવ્યું હતું.