મેરઠથી પ્રયાગરાજ સુધી બનાવવામાં આવનાર ગંગા એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના 12 જિલ્લાઓનું ભાગ્ય બદલી શકે છે. આ એક્સપ્રેસ વે દ્વારા અયોધ્યા, ગોરખપુર અને વારાણસી હાઈવેને જોડવામાં આવશે. આ 594 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેનું કામ પ્રયાગરાજના દાંડુ ગામથી શરૂ થયું છે. આ એક્સપ્રેસ વે હેઠળ પ્રયાગરાજના 20 ગામો આવશે. વચ્ચે આવતા તમામ ગામોની જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને જમીનના બદલામાં લોકોને વળતર આપવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે.
એક્સપ્રેસ વેના માર્ગમાં આવતા ઈલેક્ટ્રીક હાઈ ટેન્શન વાયર અને થાંભલાઓ હટાવી દેવામાં આવ્યા છે અને જમીન પણ સમતળ કરવામાં આવી છે. એક્સપ્રેસ વેના કામ માટે કેન્દ્ર સરકાર દ્વારા 600 કરોડ રૂપિયાની રકમ પણ બહાર પાડવામાં આવી છે, જે આ એક્સપ્રેસ વેના નિર્માણના ખર્ચનો પ્રથમ હપ્તો છે. એટલે કે હવે માત્ર કામ કરવાનું બાકી છે. આ એક્સપ્રેસ વે મેરઠ, હાપુડ, બુલંદશહર, અમરોહા, સંભલ, બદાઉન, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ થઈને પ્રયાગરાજ પહોંચશે.
કેટલો થશે ટોલ?
સિક્સ લેન એક્સપ્રેસ વે હેઠળ અંડરપાસ અને ઇન્ટરચેન્જ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ એક્સપ્રેસ વે પર બે મુખ્ય ટોલ હશે, એક પ્રયાગરાજમાં અને બીજો મેરઠમાં. આ સિવાય મેરઠ અને પ્રયાગરાજ વચ્ચે 12 વધારાના રેમ્પ ટોલ ગેટ બનાવવામાં આવશે. આ સાથે પ્રતાપગઢમાં ગંગા પાસે ગ્રીનફિલ્ડ તૈયાર કરવાની યોજના છે.
કયા રાજ્યોને ફાયદો થશે?
આ એક્સપ્રેસ વેથી દિલ્હી, પંજાબ, રાજસ્થાન, હરિયાણા સહિત ઉત્તર ભારતના ઉપલા પ્રદેશમાં આવેલા રાજ્યોમાંથી બિહાર અને પશ્ચિમ બંગાળ સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં જવાનું સરળ બનશે. ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગને પૂર્વ ભાગ સાથે જોડવામાં આ એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે. તે પ્રતાપગઢ-સુલતાનપુર હાઈવે, પ્રયાગરાજ-ગોરખપુર હાઈવે અને વારાણસી હાઈવે થઈને અયોધ્યા સાથે જોડાશે.
મહત્તમ ઝડપ કેટલી હશે?
આ એક્સપ્રેસ વે બનાવવા માટે 36 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 12 જિલ્લાના 519 ગામોને જોડતા આ એક્સપ્રેસ વે પર ડ્રાઇવિંગની મહત્તમ ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક હશે. આ સાથે એક એરસ્ટ્રીપ પણ બનાવવામાં આવશે જેના પર જરૂરતના સમયે એરક્રાફ્ટને લેન્ડ કરી શકાશે.