ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાનથી પરત ફર્યા બાદ પોતાની કેફિયત રજૂ કરી છે. અભિનંદનને પાકિસ્તાનમાં મળેલા દર્દની વાત તેમણે જણાવી છે. સમાચાર એજન્સી એએનઆઈના પ્રમાણે અભિનંદને ભારતીય વાયુસેનાના અધિકારીઓને જણાવ્યું છે કે પાકિસ્તાનમાં તેમને શારીરિક તકલીફ તો આપવામાં આવી નથી પરંતુ માનસિક રીતે બહુ જ તકલીફ આપવામાં આવી.
બુધવારે પાકિસ્તાનના એફ-16 વિમાનને ક્રેશ કરતી વખતે મીગ-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા ભારતીય વાયુસેના વિંગ કમાન્ડર અભિનંદનને 50 કરતાં પણ વધારે ક્લાક સુધી પાકિસ્તાનની કસ્ટડીમાં રહેવું પડ્યું હતું. પાકિસ્તાનને જવાબ આપતી વખતે તેમણે જીવના જોખમે દેશની રક્ષા કરી અને પાકિસ્તાની વિમાનોને ભાગી જવાની ફરજ પડી.
26મી ફેબ્રુઆરીની મંગળવારની રાત્રે ભારતીય વાયુસેનાએ કાર્યવાહી કરી હતી જેના કારણે પાકિસ્તાન અકળાઈ ગયો હતો. તેની વાયુસેના જોતી જ રહી ગઈ. મિરાજ લડાકુ વિમાનોએ આતંકી અડ્ડાઓ પર કેર વરસાવ્યો હતો અને સુરક્ષિત પર થયા હતા. ત્યાર બાદ પાકિસ્તાને ચાલ ચાલી હતી. જેને વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદને નિષ્ફળ બનાવી હતી.
27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના લડાકુ વિમાનો ભારતની સીમામાં ઝડપથી આગળ વધી રહ્યા હતા. અમેરિકાથી મેળવેલા એફ-16 વિમાન પણ સામેલ હતા. ભારતીય સરહદમાં ઘૂસી રહ્યા હતા ત્યારે જ ભારતીય વાયુસેનાએ મોરચો ખોલ્યો. પાકિસ્તાની લડાકુ વિમાન પશ્ચિમીન રાજૌરીથી ભારતની બોર્ડરમાં પ્રવેશી રહ્યા હતા પરંતુ સેનાએ પાક.ના વિમાનોને ચારેતરફથી ઘેરી લીધા હતા.
મીગ-21 પર સવાર ભારતીય પાયલોટ અભિનંદને પાકિસ્તાની વિમાનોને ખદેડવાનુ શરૂ કર્યું. આકાશમાં ભીષણ જંગ શરૂ થઈ. મીગ-21ના કમાન્ડર અભિનંદને દુશ્મનને ભાગવા મજબૂર કરી દીધો. આ દરમિયાન મીગ-21એ પાકિસ્તાનનાં એફ-16ને તોડી પાડ્યું. આકાશમાં ચાલેલી જંગમાં ઝપટમાં મીગ-21 વિમાન પણ આવી ગયું જેમાં પાયલોટ અભિનંદન હતા.
પાકિસ્તાનના વિમાનને ખદેડતી વખતે મી-21 બાયસન વિમાન પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયા અને વિમાન ક્રેશ થાય તે પહેલા પેરાશૂટ મારફત કૂદી પડ્યા અને જમીન પર પટકાયા. આ વિસ્તાર પીઓકેનો હતો. પાકિસ્તાની આર્મીએ તેમને પકડી લીધા.
ભારતે પાયલોટ લાપતા હોવાનું કહ્યું અને ત્યાર બાદ પાકિસ્તાને જણાવ્યું કે ભારતનો પાયલોટ અમારી પાસે છે.
28મી ફેબ્રુઆરીએ ભારતે પાયલોટ અભિનંદનને વિના શરત મૂક્ત કરવાની માંગ કરી અને જિનિવા કરારના ઉલ્લંઘન સમાન પાયલોટને પકડવામાં આવ્યું હોવાનું જણાવ્યું.
સાંજે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદને સંબોઘન કર્યું અને પાયલોટ અભિનંદનને મૂક્ત કરવામાં આવશેની જાહેરાત કરી.
પહેલી માર્ચના રોજ પાયલોટ અભિનંદન વર્ધમાન ભારત પરત ફરી ચૂક્યા છે અને દેશભરમાં તેમની મૂક્તિને લઈ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.